રણનું વહાણ પાણીમાં ગરકાવ થાય તે પહેલાં વડાપ્રધાન પાસે “ઘા” નખાયો!!!

ખારાઈ ઊંટને પ્રતિબંધિત વિસ્તારમાં પણ ચરિયાણની છૂટ આપવાની માંગ

કચ્છમાં પાણીમાં તરી શકે તેવા  2000 જેટલા ખારાઈ ઊંટની સંખ્યા, હવે આ ઊંટનું.અસ્તિત્વ બચાવવા વડાપ્રધાન પાસે મદદ મંગાઈ

અબતક, રાજકોટ : રણનું અને જળ બન્નેનું વહાણ ગણાતા ખારાઈ ઊંટ પાણીમાં ગરકાવ થાય તે પહેલાં જ વડાપ્રધાન પાસે ઘા નાખી માલધારીઓએ મદદ માંગી છે. માલધારીઓએ આ ઊંટના અસ્તિત્વને બચાવવા તાકીદે નિર્ણય લેવાની માંગ ઉઠાવી છે.

સહજીવન એનજીઓના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે 4,000 ખારાઇ ઉટ છે, જેમાંથી 2,000 એકલા કચ્છના આ ત્રણ તાલુકામાં છે.  “અન્ય ઊંટ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જોવા મળે છે.  ખારાઇ ઊંટ નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ દ્વારા એક અલગ જાતિ તરીકે ઓળખવામાં આવે છે.  જે ‘જોખમમાં મુકાયેલા સસ્તન પ્રાણીઓ’ શ્રેણીમાં છે.

કેસીબીએના પ્રમુખ આશાભાઈ રબારીએ સહી કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “માનવજાતિની પ્રવૃત્તિઓને કારણે મેન્ગ્રોવ જંગલો ઘટી રહ્યા છે.”  તે આગળ કહે છે: “ચરાવવા માટે પણ પ્રવેશ પ્રતિબંધોએ માલધારી સમુદાયોના જીવન અને આજીવિકાને જોખમમાં મૂક્યા છે.

માલધારીઓના જણાવ્યા મુજબ વન વિભાગના કર્મચારીઓ રખાલિયાઓ માલધારીઓ ઉપર લાકડી ધોકા વડે માર મારી તેમના પર જુલ્મ કરી ઊંટને જંગલમાં જતા અટકાવે છે. ઊંટ તો જંગલનું પ્રાણી જંગલમાં ચરવા ન જાય તો ક્યાં જાય. કચ્છમાં છેલ્લા એક મહિનામાં ચાર વિવિધ રખાલોમાં રબારી અને જત માલધારીઓને ઊંટ કેમ ચરાવો છો અને હવે જો ઊંટ ચરાવશો તો જેલમાં પૂરી દેવામાં આવશે એમ ધમકીઓ આપે છે.

ઊંટ તો જંગલમાં જ ચરે અને ગાય-ભેંસની જેમ તબેલામાં બાંધીને નિભાવી શકાય નહીં. કચ્છમાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરતા કચ્છી અને ખારાઈ બન્ને ઊંટને હવે કચ્છના પરંપરાગત જંગલોમાં ચરિયાણ કરવું  મુશ્કેલ બન્યું છે.