Abtak Media Google News

પાણી ઉપાડવા માટે વપરાતી વીજળીની પુન:પ્રાપ્તિ માટે ધોધના 3 સ્થળોએ વોટર કેનાલ બેડ પાવર હાઉસ સ્થાપિત કરાયા જે 23.1 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરશે: કેનાલમાંથી પણ વીજળીનું ઉત્પાદન થઈ શકે એવું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટના રોજ રૂ.1745 કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કરશે. કચ્છ શાખા નહેરની સાંકળ 214.45 કિ.મી. સુધી બાંધકામ પુર્ણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાની શરૂઆત થઈ હતી. કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને શિણાય ગામમાંથી નહેર પસાર કરવાનો પ્રશ્ન, જમીન સંપાદનના વિવિધ પ્રશ્નો, ફળાઉ ઝાડનો પ્રશ્ન, નેશનલ હાઇવે, રેલ્વે, ઓઇલ અને ગેસની પાઇપલાઈનોના ક્રોસિંગનો સમાવેશ થતો હતો. જે તમામ પ્રશ્નોનું સરકારે નિવારણ લાવીને મે-2022માં આ કેનાલનું કાર્ય પૂર્ણ કર્યું છે.

કચ્છ શાખા નહેરથી જિલ્લાના 182 ગામોને હેકટર 2,78,561 એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ શાખા નહેરના માધ્યમથી જિલ્લાના બધા જ 948 ગામો તેમજ બધા જ 10 નગરોમાં પીવાનું પાણી પુરૂ પાડવાનું આયોજન કરાયું છે. કચ્છ શાખા નહેર નર્મદા યોજના મુખ્ય નહેરની સાંકળ 385.814 કિ.મી બનાસકાંઠા માંથી નીકળે છે. કચ્છ શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિ.મી. છે. કચ્છ શાખા નહેર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં 82.30 કિ.મી પસાર કરી કચ્છ જિલ્લામાં કચ્છના નાના રણના 10 કિ.મી. ઓળંગીને સાંકળ 94 કિ.મી.થી કચ્છની મુખ્ય ભૂમિ પર પ્રવેશ કરે છે. કચ્છના વિસ્તારોમાં આ કેનાલના પાણીથી ખાસ કરીને ખેતીમાં ફાયદો થશે.

કચ્છની ભૌગોલિક વિષમ પરસ્થિતિ વચ્ચે છેવાડાના ગામ સુધી કેનાલ મારફતે પાણી પહોંચાડવું ભગીરથ કાર્ય હતું. કચ્છની મુખ્ય ભૂમિમાં પ્રવેશવા માટે કચ્છ શાખા નહેરને કચ્છના રણને ઓળંગવું પડતું હોવાથી તે પણ એક પડકાર હતો. કચ્છનું રણ દરિયાની સપાટીએ આવેલ છે. જ્યારે કચ્છ શાખા નહેરનો પિયત વિસ્તાર ઉચ્ચ સ્તરે છે અને નહેરનું સ્તર જ્યાંથી તે નર્મદા મુખ્ય નહેર નજીકથી નીકળે છે તે પણ ઉચ્ચ સ્તરે છે. તેથી આ પડકારને પહોંચી વળવા માટે ત્રણ ધોધ(ફોલ) આપવામાં આવ્યા છે. પાણી ઉપાડવા માટે ત્રણ પમ્પિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે.

તદુપરાંત પાણી ઉપાડવા માટે વપરાતી વીજળીની પુન:પ્રાપ્તિ માટે ધોધના 3 સ્થળોએ વોટર કેનાલ બેડ પાવર હાઉસ સ્થાપિત કરવામાં આવ્યા છે. જે 23.1 મેગાવોટ પાવરનું ઉત્પાદન કરશે. આમ કેનાલમાંથી પણ વીજળીનું ઉત્પાદન થઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છ શાખા નહેર ઘુડખર અભયારણ્યની વચ્ચે પસારથી કરે છે. કેનાલ માટે સક્ષમ સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી મેળવવી જરૂરી હતી. તદુપરાંત કેનાલની આ પહોંચમાં બાંધકામ માટે વધારાની કાળજી લેવામાં આવી છે. ઘુડખર માટે કેનાલને પાર કરવા માટે ખાસ રસ્તા/માર્ગો આપવામાં આવ્યા છે. આ હેતુ માટે પુલની ઉપરની સપાટીને આવરી લેવા માટે કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેનાલની બંને બાજુએ બેરીકેડીંગ/ફેન્સીંગ પણ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ ઘુડખર કેનાલમાં પડી ના જાય.કચ્છ પ્રદેશ સપાટ વિસ્તાર નથી પણ એક દ્વીપકલ્પ છે. દક્ષિણમાં કચ્છના અખાત દ્વારા અને ઉત્તરમાં કચ્છના રણ દ્વારા ઘેરાયેલ છે. કચ્છની મુખ્ય ભૂમિમાં ઘણી બધી ટેકરીઓ અને ખીણો છે. તેને પાર કરવાની જરૂર હતી.

આ હેતુ માટે ભૂપ્રદેશની જરૂરિયાત મુજબ વિવિધ વિશિષ્ટ બાંધકામો બનાવવામાં આવ્યા છે. 4.85 મી. ડ 4.85 મી.ના ક્રોસ સેક્શનના 3 નંગ બેરલ ધરાવતી લાંબી નહેર સાઇફનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આવા અન્ય ઘણા પ્રકારના વિવિધ માળખા કેનાલની સમગ્ર લંબાઈમાં બાંધવામાં આવ્યા છે.કચ્છ બ્રાન્ચ કેનાલ રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. તે રાપર, ભચાઉ, અંજાર, આદિપુર, મુન્દ્રા અને માંડવી જેવા મોટા શહેરો નજીકથી પણ પસાર થાય છે. 2001ના ભૂકંપમાં મોટું નુકસાન થયું હતું અને મોટાપાયે જાનહાની થઈ હતી. નહેરના આ ભાગમાં ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરવું પડકારરૂપ હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ઇન-હાઉસ ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ડિઝાઇન તૈયાર કરીને આ પડકારને પણ હલ કરવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લામાં કચ્છ શાખા નહેરના બાંધકામ માટે અંજાર, ગાંધીધામ, માંડવી અને મુંદ્રા તાલુકામા આશરે 115 હેકટરનું જમીન સંપાદન બાકી હતું. જેના લીધે કચ્છ શાખા નહેરની 13.860 કિ.મીની લંબાઈમાં બાંધકામની કામગીરીમાં વિક્ષેપ ઉભો થયો હતો. જોકે, સરકારે આ તમામ પ્રશ્નોનું નિવારણ લાવીને જમીન સંપાદનની કામગીરી 2 વર્ષમાં જ પૂર્ણ કરી હતી. કચ્છ જિલ્લાના કુલ 1,12,778 હેકટર વિસ્તારમાં સિંચાઇ માટે પાણી આપવા કચ્છ શાખા નહેરની વહનક્ષમતા 120 ઘ.મી./સેક્ધડ રાખવામાં આવી છે.

વધુમાં કચ્છ જિલ્લા માટે ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના (સરપ્લસ) એક (1) મીલીયન ઘન ફુટ પાણી વહેવડાવવા માટે કચ્છ શાખા નહેરની વહનક્ષમતા ઉદગમ સ્થાને 120 ઘ.મી/સેક્ધડથી વધારી 220 ઘ.મી/સેક્ધડ કરવામાં આવી છે. કચ્છ શાખા નહેરની વહન ક્ષમતા કચ્છમાં જુદી જુદી જગ્યાએ સિંચાઈની જરૂરીયાત તેમજ વધારાના પાણીના વહન માટેની જરૂરીયાત મુજબ રાખવામાં આવેલ છે.

  • કચ્છમાં રાજ્યનું પ્રથમ સોલાર પાવર સંચાલિત દૂધ પ્લાન્ટ તૈયાર
  • 190 કરોડથી વધુના ખર્ચે દૂધ પ્લાન્ટ તૈયાર: વીજ ઉત્પાદન ક્ષમતા 3 મેગાવોટ છે અને તે 6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરશે.

ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છની આ છે સરહદ ડેરી… આ ડેરીમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થશે. અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નિર્માણ પામેલા આ પ્લાન્ટની વિશેષતા પર નજર કરીએ તો…રાજ્યનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે.

જેની વીજ ઉત્પાદન ક્ષમતા 3 મેગાવોટ છે અને તે 6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ આ પ્રોજેક્ટ વિશે વધુ પ્રકાશ પાડે છે.હાલ આ ડેરી દ્વારા 700થી વધુ મંડળીઓ પાસેથી દૈનિક ધોરણે 5 લાખ લિટરથી વધુ દુધનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. જેના કારણે 55 હજારથી વધુ પશુપાલકોને લાભ થઈ રહ્યો છે.

આજથી એક દાયકા પહેલા શરૂ થયેલી સરહદ ડેરી આજે વિકાસના અનેક સોપાનો સર કરી રહી છે. ડેરીની વિકાસયાત્રા વિશેના સંસ્મરણો ડેરીના ચેરમેન વલમજીભાઈ વાગોળે છે. ગુજરાત ની વિકાસયાત્રામાં શ્વેત ક્રાંતિનું અનેરું મહત્વ છે. હવે કચ્છમાં ” ડેરી” સોલાર પાવર પ્લાન્ટ થકી આ વિકાસયાત્રામાં નવું પરિમાણ ઉમેરી રહી છે. ત્યારે આ પરિમાણ સરહદે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે, તે નિશ્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.