Abtak Media Google News

આજથી રાત્રી કરફ્યુનો સમય રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી

રાત્રી કરફ્યુનો સમય વધતા કલાકારો-સાઉન્ડના ધંધાર્થીઓ મૂંઝવણમા,લગ્ન બુકીંગ કેન્સલ થવા લાગ્યા

 

અબતક,ઋષિ દવે,રાજકોટ.

રાજ્યમાં આજ રાત્રીથી કરફ્યુનો સમય રાત્રે 1 વાગ્યાને બદલે 11 વાગ્યાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કલાકારો તેમજ સાઉન્ડ ના ધંધાર્થીઓએ સરકારના આ નિર્ણય બદલ રોષ વ્યકત કર્યો હતો. ખ્યાતનામ ગાયક કલાકારો રાહુલ મહેતા, આસિફ ઝેરીયા,હેમંત જોશી,રિયાઝ કુુરેેેશી,આરતી ભટ્ટ,ચાર્મી રાઠોડ તેમજ પાયલ ગોહિલે અબતક મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની કપરી પરિસ્થિતિમાં કલાકારોએ પેટે પાટા બાંધી દિવસો કાઢ્યા છે.રાજ્ય સરકારે લગ્નમાં છૂટછાટ આપ્યા બાદ ધીમે ધીમે 2 વર્ષ બાદ કલાકારોનું જીવન પુનઃ ધબકતું થયું છે.ત્યારે ફરીથી રાત્રી કરફ્યુનો સમય 11 વાગ્યાનો નિર્ણય કરવામાં આવતા મોટા ભાગની પાર્ટીઓ લગ્નના બુકીંગ કેન્સલ કરવા માંડી છે.

આગામી વર્ષ 2022માં 14 જાન્યુઆરી બાદ તેમજ ફેબ્રુઆરી મહિનામાં લગ્નના મુહૂર્ત હોઈ તમામ કલાકારોએ એડવાન્સ બુકીંગ લઈ લીધેલ છે.પરંતુ રાત્રી કરફ્યુનો સમય ઘટતા ગાયક કલાકારોના લાઈવ ફંક્શનોના બુકીંગ, લોકો ધીમે-ધીમે રદ કરવા તરફ વળી રહ્યા હોવાને કારણે કલાકારો સરકારના આ નિર્ણય સામે રોષે ભરાયા છે અને રાજ્ય સરકારને પ્રશ્ન કરી રહ્યા છે કે શું કોરોના માત્ર રાત્રે જ થતો હશે ?? સાઉન્ડ એસોસિએશન ના ઉપપ્રમુખ સુનિલ પટેલે રાજ્ય સરકાર પર કટાક્ષ કરતા વધુમાં જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન નેતાઓની રેલિમા કે સંમેલનોમાં ક્યાંય પણ કોરોના તેઓને નડતો નથી પરંતુ રાત્રે જ કોરોના થતો હશે ? સરકારના આવા નિર્ણયોને કારણે કલાકારોના પેટ પર ખૂબ જ માઠી અસર પડી રહી છે.રાજ્ય સરકારે ઇવેન્ટના બિઝનેસ સાથે જોડાયેલ તમામ વર્ગના લોકોનું પણ ધ્યાન રાખી યોગ્ય નિર્ણય કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.