Abtak Media Google News

વિંછીયા ખાતે ન ભુતો ન ભવિષ્યતિ એવી રૂા. 9.12 કરોડની માતબર રકમના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મો દ્વારા તૈયાર થનાર પીવાના પાણી વિતરણની યોજનાનું ખાતમુહૂર્ત પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે તા. 27-6-2021 ના રોજ સંપન્ન થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી હર ઘર નલ સે જલ યોજનાને  વર્ષ 2024 સુધીમાં સમગ્ર દેશમાં પરિપુર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજના રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આગામી વર્ષ 2022માં જ પરીપૂર્ણ કરાશે તેમ જણાવતાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં ઉમેર્યુ હતું કે આ યોજના પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારની બહેનોને પીવાના પાણી માટે માથે બેડા લઇને દુર સુધી જવાની મુશ્કેલી હવે ભુતકાળ બની જશે.

વિંછીયા ખાતે રૂા. 9.12 કરોડના ખર્ચે નિર્માણ થનાર પીવાના પાણીના નળ દ્વારા પાણીવિતરણની આ યોજના આગામી 30 વર્ષની વસ્તી અને વિસ્તારના વિકાસના અંદાજને લઇને તૈયાર થયેલ છે. આ યોજના અન્વયે 21000ની વસ્તી ધરાવતા સમગ્ર વિંછીયાને ચાર ઝોનમાં વહેંચીને ગામના છેવાડાના ઘર સુધી દરેક ઘરને વ્યક્તિ દીઠ 140 લીટર પાણી મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરાયું છે.

આ યોજના અંતર્ગત પાણી સ્ટોરેજ માટે વિંછીયાના જવાહરનગર ખાતે 25 લાખ લીટર ક્ષમતાનો સમ્પ અને 5(પાંચ) લાખ લીટર ક્ષમતાની ઉંચી ટાંકી, રામદેવનગર ખાતે 2 લાખ લીટર ક્ષમતાનો સમ્પ અને 1 લાખ લીટરની ક્ષમતાની ઉંચી ટાંકી તથા ખોડીયાર નગર ખાતે 3 લાખ લીટરની ક્ષમતાના પાણીના સમ્પ  તથા 1.50 લાખ લીટરની પાણી સ્ટોરેજ ક્ષમતાની ઉંચી ટાંકીનું નિર્માણ થશે. આ ઉપરાંત 5320 ઘરોને નળ કનેશકન આપવા 1330 નંગ ઘોડી સીસ્ટમ, 20 પમ્પીંગ મશીનરી સેટ, 7 પમ્પ હાઉસ અને 7 લાઇટ કનેકશનો પણ ઉપલબ્ધ કરાવાશે.

આ તકે તેઓએ આ વિસ્તારમાં થનાર વિકાસ કામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે વિંછીયા ખાતે નવી અદ્યતન સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ તથા ઓકસીજન પ્લાન્ટ, નવું આઇ.ટી.આઇ. બિલ્ડીંગ, નવું બસસ્ટેન્ડ, વિજ્ઞાનપ્રવાહની હાઇસ્કુલ તથા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગ સહિતના વિકાસ કામો ટુંક સમયમાં તૈયાર થનાર છે.

આ ઉપરાંત જસદણ તાલુકાના સાણથલી ગામે રૂા. 1.49 કરોડના ખર્ચે તથા ભંડારીયા ગામે રૂા. 23.78 લાખના ખર્ચે તૈયાર નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મો દ્વારા નિર્માણ થનાર પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.