Abtak Media Google News

16 સુવર્ણચંદ્રક અને 16 રજતચંદ્રક સહિત કુલ 970 વિદ્યાર્થીઓને પદવી એનાયત

 

અબતક, દિપક સથવારા

પાટણ

ગુજરાતના યુવાનોને દેશ માટે સેવા કરવાની અમૂલ્ય તક છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા ભારત માટે પડકારોને તકમાં પરિવર્તિત કરીને પ્રતિબદ્ધ થવાનો આ અવસર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિદ્ધપુર ખાતે યોજાયેલા ગ્લોબલ યુનિવર્સિટીના બીજા દિક્ષાંત સમારોહમાં યુવાઓને આહ્વાન કર્યું હતું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના બીજા દિક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધ્યક્ષસ્થાનેથી યુવા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણની દિશા અને દશા બદલાઈ છે. 21મી સદી જ્ઞાનની સદી બની છે. વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ભારતે ગ્લોબલી પ્રયાણ કર્યું છે ત્યારે વિશ્વના યુવાઓ સામે ગુજરાતનો યુવાન આંખ મેળવી શકે તે પ્રકારે કામગીરી કરે તે  નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. તજજ્ઞતા પ્રાપ્ત કરવા માટે આજે ગુજરાતમાં 95થી વધુ યુનિવર્સિટીઓ નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લીધે કાર્યરત છે. રિસર્ચ અને ઈનોવેશનને વેગ આપી ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટનો રોડમેપ તૈયાર કર્યો છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી દ્વારા યુવાનોને કારકિર્દી ઘડતર માટે નવાં ક્ષેત્રો આપ્યા છે.  વિશ્વ આખું પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યું છે ત્યારે રસાયણમુક્ત ખેતી માટે તમારા પરિવાર, ગામ કે સમાજના લોકોને પ્રેરિત કરવા એ પણ સમાજ દાયિત્વનું કામ છે તેમ હું માનું છું. તેમણે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીને વિશ્વસ્તરીય રેન્કિંગમાં આગળ લઈ જવા યુનિવર્સિટીના પ્રમુખ બલવંતસિંહ રાજપૂતને સૂચન કર્યું હતું. ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમણે વંચિતો, શોષિતો અને પિડીતો માટે સેવા કરવાનું માધ્યમ બની રાષ્ટ્રનિર્માણ અને રાજ્ય વિકાસ માટે પોતાનો ભાવ રાખે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવાનો નવા ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવી, ભારતને વિશ્વગુરૂ બનાવે તેવી યુવામિત્રોને હાકલ કરી હતી.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આજના દિવસે વિદ્યાર્થીઓ પોતાની નવી જીંદગીના પગરણ માંડી રહ્યા છે. આજનો દિવસ તેમના જીવનનો મહત્વનો દિવસ છે. વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પદવી એનાયત થઈ રહી છે એ વિદ્યાર્થી માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળે એ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું. બલવંતસિંહ રાજપૂતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની સ્થાપના કરીને પોતાના માતા-પિતાના સપના પૂર્ણ કર્યા છે.

ઉદ્યોગમંત્રી  જગદિશ વિશ્વકર્માએ જણાવ્યું કે, પુરાણપ્રસિદ્ધ સિદ્ધપુરની આ ધરતી પર અત થી ઈતિ સુધી એટલે કે શાળાકિય શિક્ષણથી પી.એચ.ડી સુધીની શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી બલવંતસિંહ રાજપૂતે આ નગરને શિક્ષણનું કાશી બનાવ્યું છે. અહીં ઉપલબ્ધ વિશ્વકક્ષાની શૈક્ષણિક સુવિધાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ સ્કીલ્ડ બનવાનું છે. રાજ્ય સરકાર આઈ-ક્રિએટ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી જેવી સુવિધાઓ દ્વારા યુવાઓને આત્મનિર્ભર બનાવવા કટિબદ્ધ છે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ  બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, વિધાયક હતા ત્યારથી આ યુનિવર્સિટીની સ્થાપના અને તેના વિકાસ માટે સહયોગ આપનારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ આજના સુવર્ણ અવસરે આપણા આંગણે ઉપસ્થિત છે તેનો સવિશેષ આનંદ છે. તત્કાલીન મુખ્યમંત્રી  અને હાલના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં સિદ્ધપુર શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે ડેન્ટલ કોલેજ અને નર્સિંગ કોલેજ જેવી શિક્ષણ વ્યવસ્થા આપી. આધુનિક શિક્ષણ પદ્ધતિ અપનાવી નવી શિક્ષણનીતિ મુજબ પ્રધાનમંત્રીશ્રીના સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન આપવાના વિચારને યુનિવર્સિટી મૂર્તિમંત કરી રહી છે.

સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે યોજાયેલા આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 16 સુવર્ણ ચંદ્રક અને 16 રજતચંદ્રક સહિત કુલ 970 વિદ્યાર્થીઓને મંચસ્થ મહેમાનો દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી બલવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું સ્મૃતિચિહ્ન આપી અભિવાદન-સન્માન કર્યું હતું. કુલપતિ ડો.વેદવ્યાસ દ્વિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા. કુલસચિવ ડો.હિંમતસિંહ રાજપૂતે આભારવિધી કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ યુનિવર્સિટી સંકુલમાં આવેલ નક્ષત્ર વાટિકાની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લાપંચાયતના પ્રમુખ  ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ  કૃપાબેન આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ તથા યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રાધ્યાપક તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.