Abtak Media Google News

ઘનઘોર અંધારી રાત પછી સૂર્યોદય થાય જ છે, દુ:ખ પછી સુખ આવે જ છે તે રીતે સમગ્ર વિશ્ર્વને હચમચાવી નાખનાર કોરોનાના દરમાં પણ થોડાક સમયમાં જ જબરદસ્ત ઘટાડો થાય તેવા સંકેતો મળી રહ્યાં છે.

કોરોના વાયરસના કપરા કાળમાં અત્યારે દિવસ-રાત નિરંતરપણે દર્દીઓમાં વધારો થતો જાય છે. આરોગ્ય વ્યવસ્થા તંત્ર હોસ્પિટલોની ક્ષમતા જવાબ દઈ ચૂકી છે. હોસ્પિટલના ભરાયેલા ખાટલા દર્દીના મૃત્યુની પ્રતિક્ષા કરાવવા લોકોને વિવશ કરી રહ્યાં છે. દર્દી સાજા થાય તો વારો આવે તેવી ધીરજ હવે રહી નથી. લાઈનમાં ઉભેલા દર્દીઓ અને સગા-વ્હાલાઓ એવું વિચારે છે કે, આગલા દર્દીનું પૂરું થઈ જાય તો અમારો વારો આવે. કરૂણ વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે ચરમસીમાએ છે તેવા સંજોગોમાં કોરોનાના નવા કેસ, મૃત્યુદરમાં ઉછાળો હવે ભયંકર સ્તરે પહોંચી ગયું છે તેવા સંજોગોમાં આગામી 3 અઠવાડિયામાં કોરોના કેસ દરમાં જબરદસ્ત ઘટાડો થાય તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. મહાસંકટમાંથી જલ્દી ઉભુ થવાની તાલાવેલી વચ્ચે જવાબદારીપૂર્વક નિયમનનું પાલન કરીને આ મહામારીમાંથી છુટકારો મેળવવા સૌ પ્રયાસો કરી રહ્યાં છે. તેવા સંજોગોમાં ઉપદ્રવ ઘટે તેવા સંકેતો સુખરૂપ આશાની કિરણ બની છે.

કોરોના કાબુમાં આવશે પણ નાબુદ તાત્કાલીક થવાનું નથી ત્યારે સંક્રમણ દર ઘટવાની શકયતાઓ વચ્ચે ફરીથી બેદરકાર બની જવાની ભૂલ કરવી હવે પરવડે તેમ નથી. કોરોનાની મંદ પડનારી ગતિ અને સંક્રમણ ઘટવાથી હોસ્પિટલથી લઈને ટેસ્ટીંગ સેન્ટર સુધી ઉભા થનારા અવકાશનો લાભ લઈને કોરોના સામેની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં તકેદારી રાખવી જોશે. કોરોનાના પ્રથમ વાયરા બાદ દાખવેલી ગફલતથી પરિસ્થિતિ વધુ વણસી છે તે પદાર્થપાઠ અને તેના અમલની રણનીતિ હવે અખત્યાર કરવી પડશે.

કોરોનાનું સંક્રમણ દર ઘટશે તે સારી બાબત છે પરંતુ કોરોના જવાનો નથી તે સમજીને અગાઉ કરેલી ગફલતોનું પુનરાવર્તન ન થાય અને સોશિયલ ડિસ્ટન્સથી લઈને ચેકિંગ, જાગૃતિથી રસીકરણ અને સોશિયલ પેનિકથી દૂર રહેવા જેવા સાવચેતીના પગલા ચીવટતાથી લેવા જોશે. સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામને રસીકરણના કવચ માટેની તૈયારીઓ વધુ તેજ કરી દીધી છે. પ્રથમ વાયરામાં આપણી પાસે દવા, સારવાર કે, કોઈ વ્યવસ્થા ન હતી. હવે રસીકરણનું હથિયાર ઉપલબ્ધ બન્યું છે ત્યારે કોરોનાની મંદ પડનારી ગતિનો લાભ લઈને ગાઈડ લાઈનનો અમલ અને રસીકરણમાં ચીવટ રાખશું તો કોરોના સામેનો જંગ અવશ્યપણે જીતી જશું. આગામી 3 અઠવાડિયામાં કોરોનાનો દર ઘટવાનો છે ત્યારે સાવચેતીપૂર્વક કોઈપણ પ્રકારની ભુલ કે ગફલત ર્ક્યા વગર ગાઈડ લાઈનનું અમલ કરી કોરોનાને કાબુમાં લેવા માટે દરેકે સજાગ થવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.