Abtak Media Google News

ડામરના ભ્રષ્ટાચાર મામલે ખુદ ભાજપ પક્ષના નગરસેવકે અવાજ ઉઠાવતા શાસકો અવાચક

ભારે વરસાદના કારણે રાજકોટના રાજમાર્ગોની દશા ગામડાના રસ્તાઓથી પણ બદતર થઈ ગઈ છે. પારાવાર ભ્રષ્ટાચારના કારણે ડામર રોડ સામાન્ય વરસાદ પણ ઝીલી શકતો નથી. વરસાદના કારણે રાજમાર્ગોને  નુકશાન થવા પામ્યું છે. ફરી રાજમાર્ગોને ડામરથી મઢવા માટે આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. દરમિયાન કમિટીના સભ્ય અને ભાજપના કોર્પોરેટર કશ્યપ શુકલએ ડામર કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચારની ગંધ હોવાના આક્ષેપ સાથે સ્ટેન્ડિંગમાં ધડબડાટી બોલાવી હતી.તેઓએ જણાવ્યું હતું કે, હાલ એસઓઆર ‚પિયા ૪૩ હજાર આસપાસ છે જયારે માલ-મટીરીયલ્સની કિંમત ‚ા.૨૮ હજાર જેવી થવા પામે છે. ઉંચા એસઓઆરનો લાભ લઈ ડામર કોન્ટ્રાકટર ડાઉનથી ભાવો આપતા હોય છે અને બાદમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની શંકા પણ સેવાઈ રહી છે. કાલાવડ રોડ પર હાલ સેન્ટ્રલ લાઈન ફેરવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે અહીં જો ડામર કામ કરવામાં આવશે તો સેન્ટર લાઈન ફેરવ્યા બાદ ફરી એ જ રોડ પર ડામર કામ કરવાની ફરજ પડશે. અનેક મુદ્દાઓ સાથે કોર્પોરેટર કશ્યપ શુકલએ ડામરના કોન્ટ્રાકટમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓ પર સ્ટેન્ડિંગ કમીટીની ધડબડાટી બોલાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, નબળા રસ્તા કામના કારણે હાલ શાસકો પર માછલા ધોવાઈ રહ્યાં છે. શહેરના તમામ રાજમાર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે ત્યારે કોન્ટ્રાકટરો સામે પગલા લેવાના બદલે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ મેઘરાજા પર દોષનો ટોપલો ઠલવી દીધો છે. આકરી કાર્યવાહી કરવાના બદલે ફરી ડામરનો કરોડો ‚પિયાનો કોન્ટ્રાકટ મંજૂર કરી દેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.