Abtak Media Google News

રાજલક્ષ્મી સોસાયટીની યુવતીને ઓનલાઇન કામ કરીને દરરોજના રૂ.800 કમાવવાની લાલચ આપી જય ગુરુદેવ રેસીડેન્સીના  જ શખ્સે યુવતી પાસે કામ શરૂ કરાવ્યું હતું અને તેના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી લીધી હતી, એટલું જ નહી, યુવતીના પિતાના ખાતામાંથી પણ રકમ ઉસેડી કુલ રૂ.5.45.865ની છેતરપિંડી આચરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

મોરબી રોડ પરની જય ગુરૂદેવ રેસીડેન્સીના શખ્સની શોધખોળ

કોઠારિયા રોડ પરની રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતી મનાલી બાબુબાઈ કાછડિયા મોરબી રોડ પરની જય ગુરૂદેવ રેસિડેન્સીમાં રહેતા શૈલેષ અમરશી લુણાગરીયાનું  ગત તા.23 મેના પોતે ઈન્સ્ટાગ્રામ ચેક કરતી હતી ત્યારે એક લીંક આવી હતી અને તેમાં કમ્પ્યુટર ઓપરેટર જોબ, અલગ-અલગ અભ્યાસક્રમ સહિતની માહિતી આપવામાં આવી હતી, મનાલીને નોકરી માટે ઇચ્છા થતાં તેણે મેસેજ કરતાં જ એક મોબાઇલ નંબર આવ્યો હતો જેના પર ફોન કરતાં શૈલેષ લુણાગરિયા નામના શખ્સે કહ્યું હતું કે, એક પીડીએફ ફાઇલ મોકલવામાં આવશે તેના વર્ડ ફાઇલમાં ટાઇપિંગ કરી તેની પીડીએફ ફાઇલ બનાવી મોકલવાની રહેશે જેનાથી = દરરોજ રૂ.500 કમાઈ શકશો. જેથી યુવતીએ બીજા જ દિવસથી કામ શરૂ કર્યું હતું, યુવતીએ તેને સોંપાયેલું કામ પૂર્ણ કરીને મોકલતા શૈલેષે તમારૂ કામ અધુરૂ છે જેથી બેંક ખાતામાં રૂ.250 જમા આપુ છું તેમ જણાવ્યું હતું.

ત્રણ દિવસ બાદ શૈલેષ યુવતીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક એપ્લીકેશન મોકલી હતી જે ડાઉનલોડ કરી તેમાં કામ કરવાથી દરરોજના રૂ.800 મળશે તેમ કહ્યું હતું અને યુવતી પાસેથી તેના યુઝરનેમ, પાસવર્ડ, મોબાઇલ નંબર અને ઓટીપી મેળવી લીધા હતા. તા.31 મેના યુવતી પાસેથી તેના બેંક એકાઉન્ટ નંબર, એટીએમની માહિતી સહિતની વિગતો શૈલેષે મેળવી લીધી હતી અને તા.1 જૂનથી 25 જૂન સુધીમાં યુવતીના ખાતામાંથી કટકે કટકે કુલ રૂ.1.54 લાખ શૈલેષે બારોબાર ઉપાડી લીધા હતા.

રકમ બારોબાર ઉપડી જવા મામલે મનાલીએ પૃચ્છા કરતાં શૈલેષે સાઇટના વોલેટમાં જમા થયા છે અને જ્યારે જરૂર પડશે ત્યારે મળી જશે તેવી વાત કરી હતી, થોડા દિવસ બાદ શૈલેષે પેટીએમમાં નાણા જમા થઇ ગયાનું અને ગુગલ સર્ચ કરવાનું કહ્યું હતું અને એક મોબાઇલ નંબર મોકલ્યો હતો જેમાં રૂ.30 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહેતા યુવતીએ તેના પિતાના ખાતામાથી તે રકમ ટ્રાન્સફર કરી હતી, આ રકમ 24 કલાકમાં મળી જશે તેવો શૈલેષે બણગો માર્યા બાદ ફરીથી અન્ય યુપીઆઇ આઇડી મોકલ્યો હતો અને તેના પર અલગ અલગ રકમ ટ્રાન્સફર કરાવવાનું કહેતા યુવતીએ તેના પિતાના ખાતામાંથી કુલ રૂ.4,01,865 ટ્રાન્સફર કરાવ્યા હતા, પોતાની સાથે કુલ રૂ.5,45,865ની છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં યુવતીએ પોલીસનું શરણું લીધું હતું.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હેડ  કોન્સ્ટેબલ દીપક પંડિતે આરોપી શૈલેષ લુણાગરિયા સામે ગુનો નોંધ્યો હતો, પીઆઈ બ કે.જે. મકવાણાએ શૈલેષને ઝડપી લેવા – તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.