Abtak Media Google News

ફક્ત 13 દિવસમાં જ જયેશ પટેલને ભારતને સોંપવાની અરજી પર નિર્ણય લેશે લંડન કોર્ટ

કથિત લેન્ડ ગ્રેબર, ગેંગસ્ટર, ખૂની અને ખંડણીખોર જયેશ પટેલ કે જે જયસુખ રાણપરિયા તરીકે પણ ઓળખાય છે. સોમવારે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેના ભારત પ્રત્યાર્પણ માટે 13 દિવસીય સુનાવણીની શરૂઆત થઈ હતી. હાલ જયેશ પટેલ 1 હત્યા અને 2 હત્યાની કોશિશના ગુન્હામાં વોન્ટેડ છે. ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસનું પ્રતિનિધિત્વ કરતા ક્લેર ડોબીન ક્યુસીએ કોર્ટને જણાવ્યું હતું કે, ભારત ચાર આરોપો હેઠળ મૂળ જામનગરના શખ્સને પરત મેળવવા માંગે છે.

વર્ષ 2018માં જામનગરના અગ્રણી વકીલ કિરીટ જોશીની હત્યાના પક્ષકાર તરીકે,  2020માં બિલ્ડર ગિરીશ ડેરની હત્યાનો પ્રયાસ, રિયલ એસ્ટેટ બ્રોકર પ્રોફેસર પુરષોત્તમ રાજાણીની હત્યાનો પ્રયાસ, તેમજ જયસુખ પેઢાડિયાની હત્યાનો પ્રયાસ સહિતના ગુન્હામાં જયેશ પટેલ મુખ્ય આરોપી છે. પટેલની લંડનમાં 16 માર્ચ 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે બેલમાર્શ જેલમાં બંધ છે.  42 વર્ષીય જેલમાંથી વિડિયોલિંક દ્વારા જીન્સ અને સફેદ શર્ટ પહેરીને કોર્ટમાં હાજર થયો હતો. જેમાં તે તેના ઓનલાઈન ફોટા કરતાં ઘણો પાતળો દેખાતો હતો.કિરીટ જોષી મિસ્ટર મહેતા સહિત વિવિધ ફરિયાદીઓ માટે કામ કરતા ખાનગી વકીલ હતા.

જેમણે જમીન હડપ કરવાના કૌભાંડના સંબંધમાં પટેલ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરી હતી. કિરીટ જોશીએ જયેશ પટેલ આણી ટોળકીના જામીન આશરે 25 વાર નામંજૂર કરાવ્યા હતા. જોષીને 28 એપ્રિલ 2018ના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ જામનગરમાં તેમની ઓફિસની બહાર ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. કિરીટ સાથે એડવોકેટ તરીકે ભાગીદારી ધરાવતા તેમના ભાઈ અશોક જોષીએ ફરિયાદ નોંધાવી હતી કે રાત્રે 9 વાગ્યે તેમની ઓફિસ બંધ કર્યા પછી તેઓ નીચે ગયા અને જોયું કે કિરીટ પર છરી વડે કોઈ વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેણે તેને સતત છાતીમાં છરીના ઘા ઝીંક્યા હતા.

કિરીટ પછી રસ્તા પર પડી ગયો પરંતુ આરોપીએ છરી મારવાનું ચાલુ રાખ્યું, પછી અન્ય એક વ્યક્તિ મોટરબાઈક પર આવ્યો અને બંને ત્યાથી નાસી છૂટ્યા હતા તેવું ડોબિને કોર્ટને જણાવ્યું હતું. એફઆઈઆરમાં અશોકે જણાવ્યું હતું કે જયેશ પટેલ આણી ટોળકી વિરુદ્ધ કેસ લડતા કિરીટ જોશીને અગાઉ પણ જયેશ પટેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.ડોબિને કોર્ટને જણાવ્યું કે, જામનગર મહિલા કોલેજના પ્રોફેસર પુરષોત્તમ રાજાણી, જામનગરના ક્રિષ્ના પાર્કમાં જમીનના વેચાણ માટે દલાલી કરતા હતા. મામલો 14 નવેમ્બર 2019 ના રોજ સામે આવ્યો જ્યારે ચાર શખ્સો પ્રોફેસર રાજાણીના ઘરે હથિયારો સાથે આવ્યા અને તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.