લગ્ન પ્રસંગ માટે 100 લોકોની મર્યાદા નક્કી થાય તેવા પણ સંકેતો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. તેને નાથવા સરકાર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. ધીમે ધીમે સરકાર આકરા નિર્ણયો લઈ રહ્યું છે. જેમાં રાત્રી કરફ્યુનો સમય ક્રમશ: વધાર્યા બાદ હજુ આગામી તા.16થી રાત્રી કરફ્યુનો સમય વધારી રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધીનો કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજ્યમાં દરરોજ કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. જેને પગલે અગાઉની જેમ લોકડાઉન આવે તેવી શકયતા નહિવત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ બેથી ત્રણ વખત જાહેર કરી દીધું છે કે નાગરિકો ચિંતા ન કરે લોકડાઉન આવશે જ નહીં. પણ સરકાર વધી રહેલા કેસોને પણ નજરઅંદાજ કરવાની ભૂલ કરી શકે તેમ નથી. માટે હવે સરકાર ધીમે ધીમે આકરા પગલાં લેશે. પણ સામે સામાન્ય નાગરિકોને વધુ તકલીફ ન પડે તેની પણ તકેદારી રાખશે.

સરકારના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર હજુ જો કેસની સંખ્યા વર્તમાનની ગતિએ જ વધતી રહેશે. તો સરકાર આગામી તા.16થી રાત્રી કરફ્યુનો સમય વધારીને રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેશે. અત્યાર સુધી રાત્રી કરફ્યુનો સમય રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો હતો. જેમાં ફેરફાર કરીને આજથી જ રાત્રી કરફ્યુનો સમય રાત્રીના 9થી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ અગાઉ રાત્રી કરફ્યુનો સમય રાત્રીના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યાનો હતો. જેમાં સરકારે ક્રમશ: વધારો કર્યો છે. અને આગામી તા. 16મીથી હજુ પણ વધારો થનાર છે.

ઉલ્લેખનીય છે કે સરકાર નાગરિકોને ઓછી તકલીફ પડે તે પ્રકારે નિર્ણયો લઈ રહી છે. ચાર મહાનગરોમાં હાલ રાત્રીના 9થી સવારે 6 સુધી કરફ્યુ લગાવાયો છે ત્યારે રેસ્ટોરન્ટ, હોટેલ, ખાનગી ટ્રાવેલ્સ, નાના ગલ્લા, દુકાનદારો તેમજ અન્ય ધંધાના સંચાલકોને સરકારના આ નિર્ણયથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા લાંબા અંતરની ટ્રાવેલ્સની બસો રાત્રિના નવ પહેલા શહેરમાં પ્રવેશ મેળવી લે તે જરૂરી છે.પરંતુ કોઇ કારણસર મોડું થાય તો તેનો ભોગ મુસાફરોને બનવું પડે છે. ઉપરાંત આવી જ રીતે બહાર જમવા ગયા હોય અને કોઈ રીતે મોડું થઈ જાય તો લોકોને ઘરે પહોંચવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા ઉપર પણ ફરી પાછો પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. આમ અનેક ધંધાઓ રાત્રીના 9 વાગ્યાથી શરૂ થયા કરફ્યુના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.હજુ પણ  આ મુશ્કેલી જો રાત્રીના 8 વાગ્યાથી કરફ્યુ લાગુ થશે તો વધશે.

બીજી તરફ કોરોનાના કેસોમાં બેફામ વધારો થઈ રહ્યો છે.કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર પણ લોકોનું બહાર નીકળવાનું ઓછું થાય તેવા ઉદેશથી રાત્રી કરફ્યુના સમયમાં વધારો કરવા મજબૂર બની છે. જો કે હાલ ચાલી રહેલા બીજા કોરોનાકાળમાં લોકોને એક રાહત છે કે કોઈ પણ સંજોગોમાં લોકડાઉન આવશે જ નહીં.

ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર આકરા પગલાં લેવાની જ છે તે નક્કી છે. પણ સામાન્ય નાગરિકોને ઓછી હાડમારી વેઠવી પડે તેની પણ તકેદારી રાખવામાં આવશે. હાલ રાત્રી કરફ્યુનો સમય વધારવાની હિલચાલ અંદરખાને ચાલી રહી છે. જો કેસની સ્થિતિ આમ જ રહેશે તો આ હિલચાલ અંતિમ નિર્ણયમાં તબદીલ થશે. જો કેસની સંખ્યા ઘટશે તો લોકોને રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.