Abtak Media Google News

ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઈ રહી છે જેના કારણે મોટાભાગના શહેરોમાં મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ

ગુજરાતીઓ માટે હવે ગરમીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. પાછલા થોડા દિવસથી વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાતના સમયે પણ પંખાની સ્પીડ લોકો ઘટાડવા લાગ્યા છે અને એસીને પણ મોટાભાગે વિરામ મળી રહ્યો છે. કબાટમાં મૂકવામાં આવેલા સ્વેટર, જેકેટ, ધાબળા, રજાઈ, મોજા વગેરે નીકાળવાનો સમય હવે આવી રહ્યો છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઈ રહી છે જેના કારણે મોટાભાગના શહેરોમાં મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો અનુભવાઈ રહ્યો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે 5થી 8 નવેમ્બર સુધીમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પરિણામે હવામાં પલટો આવશે અને ઠંડીમાં ધીરે ધીરે વધારો થશે. અત્યારે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહે છે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાશ્મીર તેમજ હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનનું જોર વધવાની શક્યતા પણ છે. રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સુધી ગગડશે.

રાજ્યના કેટલાક ભાગોમાં અત્યારે પણ ગરમી પડી રહી છે. પરંતુ ધીરે ધીરે હવે તેમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. નવેમ્બરની શરુઆતમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં જો હિમવર્ષા થશે તો પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં સામાન્ય વરસાદ પડવાની પણ સંભાવના છે. જો આમ થશે તો તેની અસર ગુજરાત સુધી પણ પહોંચી શકે છે. નવેમ્બર મહિનામાં માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ ઠંગી વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ચૂકેલા ગુજરાતીઓ શિયાળાની રાહ જોતા હોય છે. શિયાળામાં ઘરોમાં વિવિધ પકવાન પણ બનતા હોવાને કારણે લોકોને આ ઋતુ પસંદ આવતી હોય છે. અમદાવાદમાં ભલે બપોરના સમયે શિયાળાનો અનુભવ ના થતો હોય, પરંતુ વહેલી સવારે અને સાંજ પછી ચમકારો અનુભવાય છે.  હવામાના વિભાગની જાણકારી અનુસાર, પૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ પણ સર્જાશે. 18-19 નવેમ્બરના રોજ ચક્રવાતની સંભાવના વધશે, જેના કારણે દક્ષિણ પૂર્વીય ભાગો તોફાની રહેશે. ચક્રવાતોની અસર દક્ષિણ ભારત પર પડશે. ડિસેમ્બરની શરુઆતમાં તો હવામાનમાં સંપૂર્ણ પરિવર્તન જોવા મળશે. પછી ધુમ્મસનું પ્રમાણ પણ વધારે જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.