Abtak Media Google News

દિલ્લી સરકાર નવી નીતિ ઘડે નહીં ત્યાં સુધી બાઈક ટેક્સી પર પ્રતિબંધ યથાવત રહેશે

દિલ્હીમાં બાઇક-ટેક્સી પરનો પ્રતિબંધ યથાવત રહેનાર છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સ્ટે ઓર્ડરને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટએ હાઈકોર્ટને આ મામલે ઝડપથી સુનાવણી કરવા જણાવ્યું છે. બંને પક્ષોને વહેલી સુનાવણી માટે અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.  દિલ્હી સરકારે હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ દાખલ કરી હતી. બાઇક-ટેક્સી એગ્રીગેટર્સની માંગ હતી કે જ્યાં સુધી દિલ્હી સરકાર કોઈ નીતિ ન બનાવે ત્યાં સુધી તેમને લાયસન્સ વિના બાઈક ટેક્સી સર્વિસ ચલાવવાની મંજૂરી આપવામાં આવે. 19 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી સરકારે જાહેર નોટિસ બહાર પાડી હતી. તેના દ્વારા દિલ્હીમાં બાઇક ટેક્સી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રેપિડો અને ઉબેરે તેની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 21 ફેબ્રુઆરીએ શો કોઝ નોટિસ જારી કરી હતી.

Advertisement

દિલ્હી સરકારની મુખ્ય દલીલ એ હતી કે એગ્રીગેટર્સ દ્વારા યોગ્ય લાયસન્સ અને પરમિટ વિના ટુ-વ્હીલરનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.  મોટર વ્હીકલ એક્ટની કલમ 93માં એગ્રીગેટર માટે લાયસન્સની જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે. દિલ્હી સરકારની દલીલ હતી કે આ માર્ગદર્શિકા ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને માટે છે. આવી સ્થિતિમાં એગ્રીગેટર્સ પોલિસી લાવ્યા વિના નોન-ટ્રાન્સપોર્ટ ટુ-વ્હીલર્સનો ઉપયોગ કરી શકતા નથી. દિલ્હી સરકાર એક નીતિ બનાવી રહી છે. જ્યાં સુધી આ નીતિનો અમલ નહીં થાય ત્યાં સુધી બાઇક ટેક્સી તરીકે ટુ વ્હીલર વાહનોના ઉપયોગ પરનો પ્રતિબંધ યથાવત રહેશે.

રેપિડો અને ઉબેરે કહ્યું કે હાઈકોર્ટ પાસે દિલ્હી સરકારના નિર્ણય પર સ્ટે આપવાનો અધિકાર છે. બીજી દલીલ એવી હતી કે હજારો સવારો આવી બાઇક ટેક્સીઓ ચલાવે છે અને પ્રતિબંધથી તેમની આજીવિકાને અસર થશે. વ્યાપારી/પરિવહન વાહનો તરીકે ઉમેરવામાં આવેલ ખાનગી દ્વિચક્રી વાહનોને જ્યાં સુધી નીતિ ઘડવામાં ન આવે અને લાઇસન્સ ન મળે ત્યાં સુધી મુસાફરોને લઈ જવાની મંજૂરી આપવી જોઈએ. સુનાવણી દરમિયાન, કેન્દ્રએ કહ્યું કે એગ્રીગેટર્સ હેઠળ ટુ વ્હીલર ચલાવવા માટે લાઇસન્સ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.