Abtak Media Google News

નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા ‘ઈ-એસેસમેન્ટ’ સ્કીમ લાગુ કરાઇ ૫૮૩૨૨ કેસોને નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર ખાતે પસંદ કરાયા

આવકવેરા વિભાગ દ્વારા ટેકસની આકારણી પહેલા ટેકસ અધિકારીની સામે જ કરવામાં આવતી હતી જેનાં કારણે કરદાતાઓને અનેકવિધ પ્રકારે તકલીફ પણ પહોંચતી હતી અને આવકવેરા વિભાગનું નામ સામે આવતા જ તેઓ ફફડી ઉઠતા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુચવવામાં આવતા અને જાણકારી મળતા એ વાત સ્પષ્ટ થાય છે કે, દેશનાં કરદાતાઓને સહેજ પણ તકલીફ ન પડે અને તેઓને હેરાનગતિ ન થાય તે હેતુસર ઈ-એસેસમેન્ટ સ્કિમ લાગુ કરવામાં આવી છે. નવી સ્કિમ હેઠળ કોઈપણ કરદાતાએ હવે આવકવેરાની કચેરીએ નહીં જવું પડે અને તેઓની ટેકસની આકારણી ઓનલાઈન જ થશે જેનાં કારણે જે આવકવેરા અધિકારીનો ડર જે પ્રસ્થાપિત થતો હતો તે હવે નહીં થાય અને સુચારું વ્યવસ્થાનો ભાગ બની રહેશે જે હેતુસર સોમવારનાં રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ઈ-અસેસમેન્ટ સ્કિમ લાગુ કરવામાં આવી હતી.

Advertisement

ટેક્સ અંગેના સુધારાઓની પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા આવકવેરા વિભાગે ફેસલેસ ઇ-એસેસ્મેન્ટ સ્કીમની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ કરવેરા અધિકારી અને કરદાતા એકબીજાના સંપર્કમાં આવશે નહીં. મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેના હસ્તે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવેલ નેશનલ ઇ એસેસમેન્ટ સેન્ટર હેઠળ શરૂઆતમાં ૫૮,૩૨૨ ઇન્કમ ટેક્સ કેસોની પસંદગી કરવામાં આવી છે. આ સ્કીમનું ઉદ્ઘાટન નાણા પ્રધાન નિર્મલા સિતારમનના હસ્તે કરવામાં આવનાર હતું પણ તે અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે તેમના સ્થાને મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ આ સ્કીમનું ઉદ્ઘાટન કર્યુ હતું. પાંડેએ જણાવ્યું હતું કે આ સ્કીમને કારણે કરદાતાના મુશ્કેલીમાં ઘટાડો થશે અને તેનો સમય બચશે. આ સિસ્ટમથી ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ સિસ્ટમમાં અધિકારીઓની દખલગીરી બંધ થઇ જશે. નેશનલ ઇ એસેસમેન્ટ સેન્ટર દ્વારા સમગ્ર દેશમાં ફેસલેસ ઇ એસેસ્મેન્ટ સ્કીમ પૂરી પાડવામાં આવશે અને તેનાથી કરદાતાઓને ફાયદો થશે. આ સ્કીમના અમલીકરણ માટે આવકવેરા વિભાગના ૨૬૮૬ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ સ્કીમની માહિતી આપતા પાંડેએ જણાવ્યું હતું કે જે કોઇ વ્યકિત સામે તપાસનો આદેશ જારી કરવામાં આવશે તેને પોતાના તમામ દસ્તાવેજો ઓનલાઇન જમા કરાવવાના રહેશે. આવા કેસની તપાસ માટે અધિકારીઓની પસંદગી પણ રેન્ડમલી કરવામાં આવશે.

જ્યારે મહેસૂલ સચિવને પૂછવામાં આવ્યું કે શું સરકાર પર્સનલ ઇન્કમ ટેક્સમાં કોઇ રાહત આપવા જઇ રહી છે? તો તેના જવાબમાં પાંડેએ જણાવ્યું હતું કે મારી પાસે આ અંગેની કોઇ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની સિસ્ટમમાં કરદાતાની તપાસ દરમિયાન કરદાતા અને તપાસ અધિકારી વચ્ચે અનેક વખત મુલાકાત થતી હતી. જેના કારણે ભ્રષ્ટાચાર થવાની શક્યતા વધી જતી હતી. આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ઇ-એસેસમેન્ટની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નેશનલ ઇ એસેસમેન્ટ સેન્ટરની રચના એક ઐતિહાસિક પગલું છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે કરવામાં આવેલ આ પહેલ કરદાતા માટે લાભદાયી નિવડશે.

આવકવેરા વિભાગમાં કરદાતાઓને સાનુકુળતા રહે તે હેતુસર સરકાર દ્વારા આ પ્રકારની સ્કીમો કરદાતાઓની તરફેણમાં લાગુ કરવામાં આવે છે ત્યારે ઇ-એસેસ્મેન્ટ સ્કીમ લાગુ કરતાની સાથે આવકવેરા વિભાગને અનેકગણો ફાયદો પ્રાપ્ત થશે.

પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીને પહોંચવા માટે સરકાર દ્વારા જે વિકાસલક્ષી યોજનાઓને બહાર પાડવામાં આવી રહી છે તે જોતા સરકારે આવકવેરા વિભાગના કરદાતાઓ માટે અનેક વિકાસશીલ યોજનાઓ જાહેર કરી છે. સરકારનું માનવું છે કે દેશના અર્થતંત્રમાં જો રૂપિયો ફરતો થતો હોય તો તે કરદાતાઓ તરફથી મળતા વિવિધ કરને લઇ થઇ શકે છે જેથી અર્થતંત્રમાં પ્રાણ પુરવા અને દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે કરદાતાઓને રીઝવવા અને તેઓને આવકવેરા વિભાગનો ડર ન સતાવે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે ત્યારે દેશના નાણામંત્રી દ્વારા જે ઇ-એસેસ્મેન્ટ સ્કીમ લાગે કરવામાં આવી છે તે અત્યંત સરાહનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.