Abtak Media Google News

પેટ્રોલમાં 6 રૂ.,ડીઝલ અને એવિએશન ફ્યુઅલમાં રૂ.2 અને ક્રૂડમાં રૂ.17000 ડ્યુટી ઘટાડી

વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર તાજેતરમાં લાદવામાં આવેલા ધરખમ ટેક્સમાં ઘટાડો કર્યો છે.  સરકારે માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલની નિકાસ પર ધરખમ ટેક્સ લાદ્યો હતો.  પેટ્રોલિયમ ઉત્પાદનોની સૌથી મોટી ભારતીય નિકાસકાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસી જેવી તેલ કંપનીઓને સરકારના આ નિર્ણયથી ફાયદો થવાનો છે.

ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને સરકારે ત્રણ સપ્તાહ પહેલા પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઈંધણ પર નિકાસ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો હતો.  સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સ્થાનિક રિફાઈનરી કંપનીઓ ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ કરીને મોટો નફો કમાઈ રહી છે. સરકારે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિ લિટર 6 રૂપિયા ડ્યૂટી વધારી હતી.  એ જ રીતે ડીઝલની નિકાસ પરની ડ્યુટીમાં 13 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય સરકારે એક અલગ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન રૂ. 23,230નો વધારાનો ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારના તાજેતરના નોટિફિકેશન અનુસાર, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ પર વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  તે જ સમયે, પેટ્રોલના કિસ્સામાં, પ્રતિ લિટર 6 રૂપિયાના દરે વિન્ડફોલ ટેક્સ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે.  આ સિવાય સ્થાનિક સ્તરે ઉત્પાદિત કાચા તેલની નિકાસ પરનો ટેક્સ લગભગ 27 ટકા ઘટાડીને હવે 17,000 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.

ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો.  જો કે, બાદમાં વિશ્વભરમાં આર્થિક મંદીની આશંકા વધુ ઘેરી બનવાને કારણે ક્રૂડ ઓઈલ પર અસર થઈ હતી અને જૂનના બીજા સપ્તાહથી તેના ભાવમાં નરમાઈ શરૂ થઈ હતી.  આનાથી અન્ય દેશોને સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ વેચીને થયેલા લાભને પણ મર્યાદિત કર્યો.  તે જ સમયે, સ્થાનિક રિફાઇનરીમાં તૈયાર પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરતી કંપનીઓના નફાને પણ અસર થઈ હતી.  આંકડાઓ અનુસાર, ભારતની એકમાત્ર ખાનગી રિફાઈનરી નાયરા એનર્જી લિમિટેડ ભારતની પેટ્રોલ-ડીઝલની નિકાસમાં 80-85 ટકા યોગદાન આપે છે.  આ કંપનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોઝનેફ્ટનો હિસ્સો છે.

ઓએનજીસી અને રિલાયન્સના શેરના ભાવમાં જબ્બરો ઉછાળો

કેન્દ્ર સરકારે 01 જુલાઈથી પેટ્રોલિયમ ઉત્પાદનો પર વિન્ડફોલ ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી.   ઘણા દેશો રિફાઈનરી કંપનીઓ દ્વારા થતા જંગી નફામાં હિસ્સો મેળવવા માટે આ પ્રકારનો વિન્ડફોલ ટેક્સ લગાવતા હતા.  જોકે ત્યારપછી વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવી છે.  જેના કારણે ક્રૂડ ઓઈલ ઉત્પાદક અને રિફાઈનરી કંપનીઓ દ્વારા કરવામાં આવતા નફામાં ઘટાડો થયો હતો.  હવે ટેક્સમાં ઘટાડો થવાથી આવી કંપનીઓને રાહત મળશે.  જેના કારણે શેરબજારમાં ઓએનજીસીમાં 4 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 2.87 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.