Abtak Media Google News

નવી એજ્યુકેશન પોલિસીની જેમ આગામી દિવસોમાં કોમન એક્ટનો ડ્રાફ્ટ પણ જાહેર જનતા માટે ખુલ્લો કરી દેવાશે

સરકારી યુનિવર્સિટીઓમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવાની તૈયારી શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા કોમન યુનિવર્સિટીનો ડ્રાફ્ટ જાહેર કરાશે. નવા એક્ટમાં કરાયેલી જોગવાઇ પ્રમાણે દરેક યુનિવર્સિટીઓને સ્વતંત્રતા રહેશે, પરંતુ સાથે સાથે જવાબદારી પણ લેવી પડશે. અન્યથા સરકાર દ્વારા સીધી કાર્યવાહી કરવાની વ્યવસ્થા પણ રખાઈ છે.

Advertisement

યુનિવર્સિટીના કુલપતિની મુદત પાંચ વર્ષ કરવા ઉપરાંત લોકલ ઓડિટની ઉપર સરકાર ઇચ્છે તો ફરીવાર ઓડિટ કરાવી શકશે.નવી એજ્યુકેશન પોલિસીની જેમ આગામી દિવસોમાં કોમન એક્ટનો ડ્રાફ્ટ પણ જાહેર જનતા માટે ખુલ્લો કરી દેવાશે. હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સૂત્રો કહે છે કે, નવા એક્ટમાં કેટલીક જૂની જોગવાઇઓ યથાવત્ રાખવામાં આવી છે દરેક બોડી કે જેમાં કુલપતિ દ્વારા નિયુક્તિ કરવાની હોય તેમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. હાલમાં પણ મહિલાઓ માટે આ વ્યવસ્થા લાગુ છે,

પરંતુ હવે નવી બોડીમાં એકેડેમિક કાઉન્સિલ કે બોર્ડ ઓફ ગવર્નન્સની રચના પણ આ વ્યવસ્થા યથાવત રાખવામાં આવશે. આ સિવાય યુનિવર્સિટીમાં ખાલી પડનારી  મહત્ત્વની જગ્યાઓ નિર્ધારિત સમયમાં ભરવામાં ન આવે તો સરકાર દ્વારા આ જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં પરીક્ષા નિયામકથી લઇને ચીફ એકાઉન્ટન્ટ સુધીની મોટાભાગની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. હાલમાં યુનિવર્સિટીઓના ઓડિટ લોકલ ફંડ દ્વારા કરવામાં આવે છે. કોમન એક્ટમાં એવી જોગવાઇ છે કે, લોકલ ફંડ દ્વારા ઓડિટ કર્યા પછી પણ સરકારને એમ લાગે કે, કોઇ જગ્યાએ વધારે તપાસની જરૂર છે તો ફરીવાર ઓડિટ કરાવી શકશે.

જીટીયુમાં હાલમાં જે બોર્ડ ઓફ ગવર્નન્સ છે તે પ્રમાણે થોડા અપગ્રેડેશન સાથે ગુજરાત યુનિવર્સિટી સહિતની આઠ યુનિવર્સિટીમાં બોર્ડ લાગુ કરાશે. આ ઉપરાંત પ્રોફેસરોની ટ્રાન્સફર, કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના મુદ્દાઓને કોમન એક્ટમાં આવરી લેવાયા છે. રાજયની આઠ સરકાર યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કર્યા પછી જે વ્યવસ્થા ગોઠવાની છે તેમાં એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવાનો ઉલ્લેખ કરાયો છે. હાલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં માત્ર બોર્ડ ઓફ ગવર્નન્સની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે તેમાં એક્ઝિક્યુટિવ કમિટીને સ્થાન નથી. કોમન એક્ટ લાગુ થવાનો છે તેમાં એક્ઝિક્યુટિવ કમિટી રચવામાં આવશે.

આ આઠ યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ થશે

(1) ગુજરાત યુનિવર્સિટી
(2) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
(3) ભાવનગર યુનિવર્સિટી
(4) એમ.એસ.યુનિવર્સિટી
(5) કચ્છ યુનિવર્સિટી
(6) એસ.પી. યુનિવર્સિટી
(7) દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
(8) ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.