Abtak Media Google News

જોમ અને જુસ્સાથી ક્ષત્રિય સમાજની મહિલાઓએ લુપ્ત થતી પરંપરા જાળવી

રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજની આગવી ઓળખસમા ‘તલવાર રાસ’નું આયોજન કરાયું હતું. જેમાં ૩૦૦ જેટલી ક્ષત્રિય સમાજની મહિલાઓએ ‘તલવાર રાસ’માં જાણે રણમેદાને વિરાંગનાઓ ચડી હોય તેવું દ્રશ્ય ખડુ કરતા દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા.રાજકોટમાં ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં વસે છે જયારે ભારતમાં રજવાડાઓમાં ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ આગવી ઓળખ છે. રાજકોટ માં ભગીની ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓના તલવાર રાસનું આયોજન કરાયું હતું. જેમાં ૩૦૦ જેટલી ક્ષત્રિય મહિલાઓએ હાથમાં તલવારો લઈ ઢોલના તાલે એવી રજુઆત કરી હતી કે દર્શકો બસ જોતા જ રહ્યા હતા.ક્ષત્રિય સમાજની મહિલાઓને બે હાથમાં તલવાર રાસ રમતા જોઈને અન્ય મહિલાઓમાં પણ જુસ્સો અને ખુમારી જોવા મળી હતી. ભાગીની ફાઉન્ડેશનના પ્રમુખ યુવરાણી કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ક્ષત્રિય સમાજની પરંપરાનું વિશેષ મહત્વ રહ્યું છે. ક્ષત્રિય સમાજની રહેણી કહેણી અને પહેરવેશ અને રીતભાત એ ભારતીય સંસ્કૃતિમાં અલગ પ્રદાન છે. જેમાં ક્ષત્રિય સમાજનો તલવાર રાસ પણ વિશેષતા ધરાવે છે. પરંતુ આધુનિક યુગમાં આ પરંપરાની જાણવણી કરવી અને તેને લુપ્ત થતી અટકાવવા ભગીની ફાઉન્ડેશન દ્વારા ત્રણ દિવસ સુધી તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ધર્મપત્ની અંજલીબેન ‚પાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અંજલીબેને જણાવ્યું હતું કે, આ તલવાર રાસ પ્રથમવાર જોયો છે. તલવારનો વજન જ એટલો હોય છે કે સામાન્ય મહિલા આ તલવાર ઉપાડી ન શકે ત્યારે કલાકો સુધી તલવાર સાથે રમવું એ ક્ષત્રિય સમાજની મહિલાની મર્દાનગી અને ખુમારી છે. આથી મહિલાઓને સલામ છે.ભગીની સેવા ફાઉન્ડેશન સંસ્થાનનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે અને તલવાર રાસ ખાસ મહિલાઓને શિખવવામાં આવે છે. જેની એક મહિનાથી પ્રેકટીસ કરાવવામાં આવે છે. ઘણી મહિલાઓ ગૃહિણી બનીને ઘરમાં જ રહેતી હોય છે જેને ખબર નથી હોતી કે તલવાર કેમ પકડવી અને તેને પકડી રાસ કેમ રમવો આ સમગ્ર તાલીમ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને આ માટે ચાર અલગ ટીમ બનાવવામાં આવે છે અને મહિલાઓ દ્વારા જ તાલીમ અપાય છે. ક્ષત્રિય સમાજની લુપ્ત થતી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાના હેતુસર ક્ષત્રિય સમાજનો મહિલા તલવાર રાસ જોઈ અનેક દર્શકોની ભીડ ઉમટી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.