Abtak Media Google News

યુવતીનો ફોન આવે તો ચેતી જજો

પાટડીના પીપળીયા યુવકને સુરેન્દ્રનગર બોલાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 6 લાખ માંગ્યા

પાટડી તાલુકાના પીપળી ગામના યુવાનને  યુવતિએ  બોલાવી અન્ય શખ્સો સાથે મળીને છરીને અણીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 6 લાખની માંગણી કરી રૂ. 85000 ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. બાદમાં પાટડી તાલુકાના બે શખ્સોએ ફરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બંદૂક અને છરી વડે ધમકી આપી રૂ. 30 લાખની માંગણી કરતા આ બંને શખ્સો અને અજાણ્યા પાંચ લોકો મળી કુલ સાત લોકો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

પાટડી તાલુકાના પીપળી ગામે રહેતા 41 વર્ષના યુવાને દોઢેક માસ અગાઉ અજાણ્યા વોટ્સઅપ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે, ’તમે જમી લીધુ’ જેથી એમણે કોઇ ઓળખીતાનો મેસેજ હોવાનું સમજી એ નંબર ઉપર કોલ કર્યો હતો. ત્યારે સામેથી મહિલાનો અવાજ આવતા એણે બહેનપણીને કરવાનો મેસેજ ભુલથી થઇ ગયો હોવાનું જણાવ્યું હતુ. પછી એણે વાતચીતનો દોર વધારી હું સુરેન્દ્રનગર ગયો ત્યારે મને ટાવરે મળવા બોલાવ્યો હતો. એ સમયે 22 વર્ષની અજાણી યુવતિ મારી ગાડીમાં આવીને બેસી ગઇ હતી. સાથે બે અજાણ્યા માણસો મારી ગાડીનો પાછળનો દરવાજો ખોલીને બેસી ગયા હતા.

ગાડી ભોગાવો નદી પાસે લઇ જવાનું કહી છરી બતાવી છોકરી સાથેનો વિડીયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. અને ભોગાવો પાસે પહોંચતા બે મોટરસાયકલ પર આવેલા બે ઇસમોએ અમે પોલીસમાં હોવાનું જણાવી વિડીયો વાયરલ કરવાનું જણાવી રૂ. 6 લાખની માંગણી કરી હતી. અને રકજકના અંતે સમાજમાં બદનામી થવાના ડરે ચારેય જણાના અલગ અલગ ખાતામાં મળી કુલ રૂ. 85,000 ગુગલ પેથી ટ્રાન્સફર કરાવ્યા હતા.

મારા મોબાઇલ પર બપોરના સમયે ફોન આવ્યો હતો કે, હું ઇમરાન બોલુ છુ એમ કહીં તમારો સુરેન્દ્રનગરવાળો વિડીયો ઉતારેલો એ છોકરીને મળવા જવાનું છે એમ કહેતા મે ના પાડીને ફોન કાપી નાખ્યો હતો.ત્યારે ઇમરાન અને ઝેઝરી ગામનો મયુરખાન મોટરસાયકલ પર આવીને બંદૂક અને છરી જેવા હથીયાર બતાવી માર મારી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 30 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને જતા રહ્યાં હતા. આથી પીપળી ગામના યુવાને પીપળી ગામના ઇમરાનખાન નશીબખાન અને ઝેઝરી ગામના મયુરખાન મામદખાન અને અન્ય પાંચ અજાણ્યા લોકો મળી કુલ સાત લોકો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.