Abtak Media Google News

પોલીસ પરિક્ષાર્થીઓ માટે વિનામૂલ્યે આયોજન

ક્રાઇમ બ્રાન્ચમાં કોચિંગ ક્લાસ! જ્યાં આરોપીઓને પરસેવા છૂટી જાય છે તેવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં દોઢ દાયકાથી પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ભણીને પરસેવો છૂટી જાય છે. પણ, PSIખાતાકીય સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે અમદાવાદ શહેરના પોલીસકર્મીઓ છેલ્લી ઘડીની મહેનત કરવામાં કંઈ બાકી રાખવા માગતા નથી. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ PSI તરીકે પરીક્ષા આપી રહેલા યુવા પોલીસકર્મીઓનું ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધારવા માટે વિનામુલ્યે કોચિંગ ક્લાસીસનું આયોજન પણ કર્યું છે. શહેર પોલીસે પહેલી વખત જ કરેલા આયોજનનો લાભ લઈને અનેક પોલીસકર્મીઓ ખાનગી ટ્યુશન કલાસીસની ૧૦-૧૫ હજારની ફીના ખર્ચમાંથી મુક્તિ મળતાં ખુશ છે.

ગુજરાત પોલીસમાં ખાતાકીય સ્પર્ધાત્મક પરીક્ષાથી PSIની ૪૦૩ જગ્યા ભરવાની પ્રક્રિયા મહિનાઓથી ચાલી રહી છે. પોલીસ તંત્રમાં ૧૫ વર્ષ કે વધુ સમયથી ફરજ બજાવતા ૬૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓએ પહેલા તબક્કામાં શારીરિક કસોટી આપી હતી. શારીરિક કસોટી બહુ મુશ્કેલ ન હોવાથી ૫૨૦૦ ઉમેદવારો પાસ થયાં હતાં. પરંતુ, જનરલ નોલેજ અને કાયદાની ઓબ્જેક્ટિવ એક્ઝામમાં મહિનાઓની તૈયારી કરનાર અનેક પોલીસકર્મી ગોથું ખાઈ ગયા હતા. આ કારણે છેલ્લી લેખિત પરિક્ષામાં ૧૮૦૦ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. આગામી રવિવાર, તા. ૨૩ના રોજ રાજ્યભરના હેડ કોન્સ્ટેબલ કેડરના પોલીસકર્મીઓ ઙજઈં બનવા માટે છેલ્લા તબક્કાની ખાતાકીય પરીક્ષા આપશે.

આ પરીક્ષામાં પાસ થવા માટે ઈચ્છતા અમદાવાદના અનેક પોલીસકર્મીઓ ક્રાઇમ બ્રાન્ચમાં દરરોજ સાંજે બેથી ત્રણ કલાકના ફ્રી કોચિંગ કેમ્પમાં નિયમીત હાજરી આપી રહ્યાં છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાના નિષ્ણાતો વ્યાકરણની ઊંડાણપૂર્વકની જાણકારી પોલીસકર્મીઓને આપી રહ્યાં છે. ઙજઈં બનવા થનગનતા ઉમેદવારોમાં મોટી સંખ્યા પોલીસ તંત્રમાં રાઈટર તરીકે કામ કરતાં પોલીસકર્મીઓની છે. પણ, ક્રાઇમ બ્રાન્ચમાં ભણાવવામાં આવતાં અંગ્રેજી-ગુજરાતીના કોચિંગ ક્લાસમાંથી મળી રહેલા જ્ઞાન પછી પોતાની અધુરપનો અહેસાસ થઈ રહ્યો છે. શહેર પોલીસ દ્વારા પહેલી વખત પરીક્ષાલક્ષી ફ્રી કોચિંગ કેમ્પ યોજાયાં છે તેનો લાભ પોલીસ કર્મચારીઓને થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.