નિકાસ સિવાય વિકાસનો કોઈ પર્યાય નથી…!!

કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરોને પાછળ છોડી હવે ભારતીય અર્થતંત્ર ઝડપભેર આગળ ધપી રહ્યુ છે. ટકાઉ વિકાસ અને ડબલ ડિજિટમાં આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવા માટે આર્થિક ગતિવિધિઓ પણ તેજ બની છે. સરકાર અને રિઝર્વ બેંકના સમન્વયી નિર્ણયને કારણે જુલાઈ માસની શરૂઆતથી બજાર ટનાટન રહેવા તરફ છે. જેના અનુસંધાને જુલાઈ માસના પ્રથમ ત્રણ અઠવાડિયામાં નિકાસમાં જબરદસ્ત ઉછાળો થયો છે. માત્ર 20 દિવસના ગાળામાં નિકાસ 45 ટકા વધી છે.

જુલાઈના પ્રથમ 3 અઠવાડિયામાં નિકાસ 45% વધી

હિરા-જવેરાત, પેટ્રોલિયમ પેદાશ અને એન્જીનીયરીંગ ચીજ-વસ્તુઓની નિકાસ માત્ર 20 દિવસમાં રૂ.દોઢ લાખ કરોડે પહોચી

કોઈપણ દેશના અર્થતંત્રના વિકાસ માટે નિકાસ ખૂબ જરૂરી છે. નિકાસ થકી જ વિદેશી ભંડોળ પ્રાપ્ત થાય છે અને વિદેશી ભંડોળ આર્થિક સ્થિતિની મજબૂતાઈનું આંકલન કરવા માટેનું મહત્વનું માપદંડ છે. એટલે જ તો નિકાસ સિવાય વિકાસનો કોઈ પર્યાય નથી વિકાસ સાંધવો જ છે તો નિકાસને વધારવી અનિવાર્ય શરત છે. ત્યારે હાલ ભારતની નિકાસમાં દિનપ્રતિદીન વધારો થઈ રહ્યો છે જે ઝડપથી સુધરતી આર્થિક સ્થિતિનો ચિતાર દર્શાવે છે. વાણિજ્ય મંત્રાલયએ જણાવ્યું છે કે કે 1 જુલાઈથી 21 જુલાઈની વચ્ચે ભારતની નિકાસ 45.13% વધી દોઢ લાખ કરોડે પહોંચી છે.

આ નિકાસમાં સૌથી મોટો ફાળો હીરા-જવેરાત, પેટ્રોલિયમ પેદાશ તેમજ એન્જિનિયરિંગની ચીજ વસ્તુઓનો સમાવેશ છે. જુલાઈ 1-21 દરમિયાન રત્ન અને ઝવેરાત, પેટ્રોલિયમ અને એન્જિનિયરિંગની નિકાસ અનુક્રમે 424.5 મિલિયન ડોલર, 923.33 મિલિયન ડોલર અને 551.4 મિલિયન ડોલર રહી હોવાનું પ્રોવિઝનલ વાણિજ્ય મંત્રાલયએ જણાવ્યું છે. જો કે આ સાથે આયાત પણ 64.82 ટકા વધીને .31.77 અબજ ડોલર થઈ છે. આમ, વેપાર ખાદ્ય 9.29 અબજ ડોલર રહી છે. નિકાસ કરતા આયાત વધુ હોય જેને વેપાર ખાદ્ય કહેવામાં આવે છે. પેટ્રોલિયમ, ક્રૂડ અને ઉત્પાદનોની આયાત લગભગ 77.5 ટકા વધીને 1.16 અબજ ડોલર થઈ છે.

પેટ્રોલિયમ પેદાશો, રત્ન અને ઝવેરાત અને રસાયણોના નિકાસમાં સ્વાસ્થ્યવર્ધક વૃદ્ધિને પગલે જૂન મહિનામાં સતત સાતમા મહિનામાં વૃદ્ધિ નોંધાઇને નિકાસ 48.34 ટકા વધીને 32.5 અબજ ડોલર થઈ હતી, જ્યારે વેપાર ખાધ પણ 9.37 અબજ ડોલર રહી હતી.