Abtak Media Google News
  • સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસિક બેઠકમાં માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રૂ.22 લાખથી વધુની સહાય ચૂકવાઈ

જામનગર જિલ્લા કલેક્ટર  બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલા મુદ્દાઓ બાબતે જિલ્લા કલેક્ટર એ સમિતિના સદ્સ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા કરી હતી.

તેમજ જિલ્લા કલેક્ટર એ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રિતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી સમિતિના સદ્સ્યોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ ઉપરાંત, બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારી અને જામનગરના કમાન્ડર  સંદિપ જયસ્વાલ (નિવૃત) એ સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તા.01/04/2022 થી તા.31/01/2024 સુધીમાં 40 પરિવારોને રૂ. 21,18,000 ની માસિક આર્થિક સહાય, 02 પરિવારોને રૂ.55,000 ની દીકરી લગ્ન સહાય તેમજ 07 પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.70,000 ની એમ કુલ રૂ.22,43,000 ની સહાય ચુકવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ પેટે શ્રી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ સ્કુલ, જામનગર તરફથી રૂ.51,000 નો ફાળો જમા કરાવવામાં આવ્યો હતો. તે બદલ કલેક્ટરએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યું હતું. નાણાંકીય વર્ષ 2022-23 માં સરકાર દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટની સરખામણીએ જામનગરની જાહેર જનતાએ 110% જેટલો ફાળો ઉદાર હાથે અર્પણ કર્યો છે. આવી જ રીતે જામનગરની જાહેર જનતાને તથા કચેરીઓને કલેક્ટર એ ચાલુ વર્ષ 2024 માં આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ માટે ઉદાર હાથે ફાળો અર્પણ કરવા માટે અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર  બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, નેવી અને એર ફોર્સના અધિકારી ઓ, મદદનીશ રોજગાર નિયામક  સરોજ સાંડપા,  યોગેશભાઈ સોની, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એર ફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખ ઓ તથા સમિતિના અન્ય સદસ્ય ઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.