Abtak Media Google News

ડી-માર્ટ અને તિર્થ માર્કેટીંગમાંથી પીઝામાં વપરાતા ઓરેગાનોના સેમ્પલ લેવાયા: 2 નમુના ફેઈલ જતાં રૂા.15 હજારનો દંડ

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી 191 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ લાઈસન્સ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આશ્ર્ચર્યજનક રીતે એક પણ હોટલ પાસે ફૂડ લાઈસન્સ ન હોય તેવો કિસ્સો પકડાયો નથી. બીજી તરફ ડી-માર્ટ અને તીર્થ માર્કેટીંગમાંથી પીઝામાં વપરાતા ઓરેગાનોના સેમ્પલ  લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બે નમૂના ફેઈલ જતાં વેપારીઓ પાસેથી રૂા.15 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આ અંગે આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કુવાડવા રોડ પર વિઝન સ્કૂલ પાસે એવન્યુ સુપર માર્ટ (ડી-માર્ટ)માંથી ટોપ રેમન મસાલા નુડલ્સ અને એસ્ટ્રોન ચોકમાં રેલવેના નાલા પાસે તિર્થ માર્કેટીંગમાંથી ટેસ્ટી ટીકલ્સ ઓરેગાનો સીસોઈંનનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. ચંદ્રેશનગર મેઈન રોડ પર શ્રીરામ વિજય કિરાણા ભંડારમાંથી ડ્રાઈફૂટ કાજૂનો નમૂનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો.

જેમાં ડેમેજડ પ્રમાણ વધુ હોવાના કારણે નમૂનો સબ સ્ટાડર્ડ જાહેર થતા કલ્પેશભાઈ ગોટેચાને રૂા.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે કોઠારીયામાં સહજ ફૂડ પ્રોડકટમાં સોયા પનીર (લુઝ)નો નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં ફેટનું પ્રમાણ ધારા-ધોરણ કરતા વધુ મળી આવતા અને કોઈ સ્ટાર્ચની ભેળસેળ હોવાના કારણે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી કુલદિપ સુધીરકુમાર ધામેલીયાને રૂા.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 191 હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ લાઈસન્સ સંદર્ભે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ 191 હોટલ રેસ્ટોરન્ટ પાસે ફૂડ લાઈસન્સ હોવાનું માલુમ પડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.