Abtak Media Google News

મેટોડા આવતા મજુરોની તૂફાન જીપ સાથે સામેથી આવતો ટ્રક ટકરાતા સર્જાયો જીવલેણ અકસ્માત

કાલાવડ-નિકાવા વચ્ચે આવેલા સુર સાંગડા પુલ પાસે તૂફાન જીપ અને ટ્રક સામસામે અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાલાવડના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. તૂફાનમાં મેટોડા મજુરી અર્થે આવતા ૧૫ જેટલા શ્રમજીવીઓ ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડથી મેટોડા ખાતે મજુરી અર્થે શ્રમજીવીઓ તૂફાન જીપમાં આવી રહ્યા હતા ત્યારે તૂફાન જીપ નિકાવા નજીક સુર સાંગડા પુલ પાસે પહોચી ત્યારે સામેથી પુર ઝડપે ઘસી આવેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં તૂફાન જીપમાં મુસાફરી કરી રહેલા ૧૫ જેટલા મુસાફરો રોડ પર ફંગોળાયા હતા.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાલાવડના ઇકબાલ મલેક નામના ૨૭ વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ. ઘવાયેલા ૧૫ શ્રમજીવીઓ પૈકી નવ મહિલા સહિત ૧૩ને સારવાર માટે અહીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે બે શ્રમજીવીઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માતના બનાવની જાણ થતા નિકાવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ૧૦૮ની મદદથી ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. કાલાવડના નયનાબેન જયંતીભાઇ પાટડીયા, શિતલબેન સુરેશભાઇ પાટડીયા, કિશોર જયંતીભાઇ વાઘેલા, ઇલાબેન કનુભાઇ સાગઠીયા, મનિષાબેન રામજીભાઇ સાગઠીયા, વર્ષાબેન હરીભાઇ સાગઠીયા, આરતીબેન કનુભાઇ સાગઠીયા, પાયલબેન જેસલભાઇ પાટડીયા, ચિરાગ પ્રવિણભાઇ જીંજુવાડીયા, ધર્મેશ અરજણભાઇ તાળા, વિજયાબેન રામજીભાઇ સાગઠીયા, લક્ષ્મી જયંતીભાઇ પાટડીયા અને વિમલ સુરેશભાઇને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.