Abtak Media Google News

જુનાગઢને જિલ્લા ન્યાયલય મળશે, અદ્યતન બિલ્ડીંગ બંધાશે

રાજયના મુખ્યમંત્રીની બાર એસો.ને ખાત્રી

જુનાગઢને ટૂંક સમયમાં જ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા ન્યાયાલય મળે તેવી જાહેરાત કરવામાં આવશે તેમ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાર એસોસિએશનના હોદ્દેદારોને ખાતરી આપતાં વકીલ મંડળમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.ગઈકાલે જૂનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા ત્યારે સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ બાર એસોસિયેશનના પ્રમુખ ભાવેશ ઝિંઝુંવાડિયા તથા સેક્રેટરી જયદેવ જોશી સહિતના હોદ્દેદારો જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માની ઉપસ્થિતિ વચ્ચે રૂબરૂ મળ્યા હતા અને જૂનાગઢની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા ન્યાયાલય બનાવવામાં આવે તેવી લાગણી અને માગણી વ્યક્ત કરી હતી.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાર એસોસિયેશનના યુવા અગ્રણીઓની લાગણી અને માંગણી સહર્ષ સ્વીકારી હકારાત્મક પ્રત્યુતર પાઠવ્યો હતો કે, ટૂંક સમયમાં જ આ માટે સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવશે અને જૂનાગઢ જિલ્લા ન્યાયાલય માટે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે અધ્યતન બિલ્ડીંગ બનાવવામાં આવશે.

આ અંગે જૂનાગઢ બાર એસોસિયેશનના સેક્રેટરી જયદીપ જોષીના જણાવ્યા અનુસાર જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા અગાઉ રાજ્યના મુખ્યમંત્રીને ઠરાવો કરી અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો ત્યારે ગઈકાલે રૂબરૂ રજૂઆત થતાં રાજ્યના મુખ્યમંત્રીએ જૂનાગઢને એક અદ્યતન જીલ્લા અદાલત આપવાની મૌખિક ખાતરી આપી છે જેને લઇને જૂનાગઢ બાર એસોસિયેશન રાજ્યના મુખ્યમંત્રીના આભારી છે અને જુનાગઢ વકીલ મંડળમાં ભારે ખુશી વ્યક્ત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.