“આ મસાણની મેલડી છે, આને મારો”કહી ત્રણ ભુવાએ ધગધગતી સાંકળો મારી મહિલાને પતાવી દીધી

ડિજિટલ યુગમાં દ્વારકાનું ઓખામઢી હજુ ૧૮મી સદીમાં

“આને નહીં મારી નાખીએ, તો આપણને મારી નાખશે” તેવા વહેમમાં પરિણીતાને શરીરે ડામ દઈ જીવ ન ગયો ત્યાં સુધી બેફામ મારતા રહ્યા: પાંચ સામે નોંધતો ગુનો

અબતક-રાજકોટ
આ ડિજિટલ યુગમાં પણ હજુ ઘણા લોકો અંધશ્રદ્ધાની લ્હાયમાં પડી રહ્યા છે. તેવો જ એક બનાવ દ્વારકાના ઓખામઢી ગામમાં નોંધાયો છે. જેમાં માતાના મઢે ગયેલી પરિણીતા ધુણવા લાવતા તેના પર મસાણની મેલડી છે આને મારી નાખો તેમ કહીને ત્રણ ભુવા સહિત પાંચ શખ્સોએ ધગધગતી સાંકળો મારી અને સળગતા લાકડાના ડામ દઈ પતાવી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામે મેલી વિધાના ચકકરમાં પરોઢીયે પરિણીતાને સાંકળ અને સળગતા ધોકા વડે બેફામ મારી ડામ દઇ અમાનુષી હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતા હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતકના પરીવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખુલતા પોલીસે વિધિવત હત્યાનો ગુનો નોંધવા તજવિજ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા ઓખા મઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉ.વ. ૨૫) નામની પરિણિતાને મેલુ કાઢવા માટે તેના પરીવારજન અને ભૂવાઓ સહિતનાઓએ સળગતી સાંકળ અને ઘોકા વડે માર મારી શરીરે ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ થતા રમીલાબેનએ દમ તોડયો હતો.આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોષ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો.બીજી બાજુ પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યાના બનાવમાં અમુક પરીવારજનોની પણ સંડોવણી સામે આવતા પોલીસે પાંચે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બીજી બાજુ મેલી વિધાના ચકકરમાં એક પરિણિતાની અમાનૂષી હત્યાના બનાવના પગલે દ્વારા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકના પરીવારના ભૂવાઓની સંડોવણી હોવાનુ જાણવા મળ્યુ છે.રાત્રે પાંચેક લોકો સામે નામજોગ ફરીયાદ નોંધાઇ રહી છે.
માતાના મઢે નવરાત્રી પર પૂજા પાઠ કરતી વેળાએ રમીલાબેન વહેલી સવારે ધુણવા લાગતા ત્યાં હાજર ભુવા રમેશ લખમણ સોલંકી, અર્જુન ઉર્ફે ભૂરી ભરત સોલંકી અને વેરસી માકા સોલંકી સહિત મનુ વીરા સોલંકી અને ભાવેશ માકા સોલંકીએ સાંકળને ગરમ કરી તેનાથી માર મારી “આ મસાણની મેલડી છે, આને મારી નાખો નહિતર આપણને મારી નાખશે” તેવા વ્હેમમાં પરિણીતાને પાંચેય શખ્સોએ બેફામ માર મારી તેના પતિની નજર સામે જ પતાવી દીધી હતી.
આ કરુણ ઘટના એટલી કંપાવનારી હતી કે પરિણીતાએ દમ તોડ્યો ત્યાં સુધી ગરમ સાંકળના ધગધગતા ઘા અને ગરમ લાકડાના ડામ આપ્યા હતા. પોલીસે ત્રણ ભુવા સહિત પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.