Abtak Media Google News
  • પડધરી પોલીસે બે ભાઈઓ સહીત ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો : એક આરોપી હાથવેંતમાં

રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. અલગ અલગ ત્રણ શખ્સોએ એક સગીરા પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા પડધરી પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પડધરી પોલીસે એક આરોપીને સકંઝામાં લઈ લીધાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી પોલીસ મથકમાં ફરિયાદીએ તેની 17 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ કરવા અંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પડધરી તાલુકાના ખાખડાબેલા ગામના મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, અજયસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાના નામો આપ્યા છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણેય શખ્સોએ તેની સગીર દીકરીને ફસાવી હવસનો શિકાર બનાવી હતી. છેલ્લા છ મહિનામાં ત્રણેય શખ્સોએ અલગ અલગ સમયે અવારનવાર જુદી જુદી જગ્યાએ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને સગીરા પર જાતીય હુમલો પણ કરવામાં આવ્યો હતો.

સગીરાએ પોતાની સાથે છ મહિનામાં થયેલ દુષ્કર્મ અંગે અંતે પરિવારને જાણ કરતા આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જી જે ઝાલા અને ટીમે તુરંત દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રમાંથી જાણવા મળતી વિગત અનુસાર હાલ આરોપીઓ પૈકી એક આરોપી અજયસિંહ જાડેજા પોલીસના હાથવેંતમાં છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.