Abtak Media Google News
  • અમેરિકામાં તબીબોનો પ્રયોગ સફળ રહ્યો : 62 વર્ષના દર્દીના શરીરમાં ડુક્કરની કિડની નખાયાને બે અઠવાડિયા બાદ તે એકદમ સ્વસ્થ

અમેરિકામાં સૌપ્રથમવાર એક 62 વર્ષીય માણસમાં  ડુક્કરની કિડની ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ પ્રયોગ સફળ રહ્યો છે. આ વ્યક્તિ અત્યારે એકદમ સ્વસ્થ છે. સર્જરીના બે અઠવાડિયા બાદ હવે તેને રજા આપી દેવામાં આવી છે.

ડુક્કરના અવયવોનો ઉપયોગ કરવાના અગાઉના નિષ્ફળ પ્રયાસો પછી, આ સફળતાને વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી છે જે અંગ પ્રત્યારોપણમાં ક્રાંતિ લાવી શકે છે. આગાઉ ડુક્કરના હદય બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. પણ બન્ને દર્દીના મોત નિપજ્યા હતા.

મેસેચ્યુસેટ્સના વેમાઉથના દર્દી રિચાર્ડ “રિક” સ્લેમેન અંતિમ તબક્કામાં કિડની રોગથી પીડાતા હતા અને તેને અંગ પ્રત્યારોપણની જરૂર હતી, હોસ્પિટલે જણાવ્યું હતું.  16 માર્ચના રોજ, તેના ડોકટરોએ ચાર કલાકની લાંબી સર્જરીમાં ડુક્કરની કિડની તેના શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી.

ડોકટરોએ જણાવ્યું હતું કે સ્લેમેનની કિડની હવે સારી રીતે કામ કરી રહી છે અને તેને હવે ડાયાલિસિસની જરૂર નથી. સ્લેમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોસ્પિટલ છોડીને ઘરે જવા સક્ષમ બનવું એ તેમના જીવનની “સૌથી ખુશીની ક્ષણોમાંની એક હતી.” હું મારા પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે ફરીથી સમય પસાર કરવા માટે ઉત્સાહિત છું, ડાયાલિસિસના બોજથી મુક્ત છું.” 2018 માં, તેને દાતા પાસેથી કિડની ટ્રાન્સપ્લાન્ટ મળી.  જોકે, ગયા વર્ષે ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની ખરાબ થવા લાગી હતી, જેને પગલે ડોક્ટરોએ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટની શક્યતા સૂચવી હતી.

ઉલ્લેખનિય છે કે વિશ્વના કરોડો એવા દર્દીઓ છે જે કિડની ખરાબ થઈ જવાના કારણે પીડાઈ રહ્યા છે. આવા દર્દીઓ માટે આ પ્રયોગ એક આશાનું કિરણ બન્યો છે. વધુમાં આ સફળતા બાદ હવે તબીબો અન્ય કિડનીના દર્દીઓમાં પણ ડુક્કરની કિડની લગાવવા પ્રયત્નશીલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.