Abtak Media Google News

જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટનું કર્યું પરિક્ષણ

શનિવારના  રોજ ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી જૂનાગઢના મહેમાન બની જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ તથા ભવનાથ રોપ વે ખાતે ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અત્યારથી  બંદોબસ્ત અંગે આગોતરું આયોજન કરી, બંદોબસ્ત ગોઠવાનીની તૈયારી આરંભી દેવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ખાતેના તમામ કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત દરમિયાન શુ શુ કાળજી રાખવાની થાય છે, એ બાબતે સુચનાઓ કરવામાં આવી છે. અને ગઇકાલથી મુખ્યમંત્રીના કાર્યક્રમના દિવસ સુધી સતત વાહન ચેકીંગ ઉપરાંત હોટલ ધાબા, ગેસ્ટ હાઉસના ચેકીંગ હાથ ધરી, શંકાસ્પદ માણસોનું તેમજ વાહનનું ખાસ ચેકીંગ હાથ ધરી, આઇડેન્ટિ પૃફની ચકાસણી કરવાનું શરૂ કરવામાં આવેલ છે. હોટલ તથા ગેસ્ટ હાઉસમાં ઉતરતા લોકોના આઇડેન્ટિ પ્રુફ ચકાસણી કરી, કોઈ શંકાસ્પદ ઇસમ કે ગેર કાયદેસર મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના અપાઇ છે.

ખાસ કરીને ભવનાથ વિસ્તારની ધર્મશાળાઓ, હોટલો, ઉતારાઓ તથા પ્રવાસીઓનું પણ ખાસ ચેકીંગ તેમજ ગિરનાર પર્વત પર પણ ચેકીંગ તેમજ મંદિર અને જગ્યાઓની માહિતી મેળવી, વેરીફિકેશન શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત, રુટ ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. દરમિયાન ગઇકાલે જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રોબે. આઇપીએસ વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, સી ડિવિઝન પીએસઆઇ કે.એ.ડાંગર, ભવનાથ પોલોસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, સહિતના અધિકારીઓ તથા સ્ટાફ સાથે કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, જડબેસલાક બંદોબસ્ત ગોઠવણી બાબતે સુચનાઓ કરવામાં આવેલ હતી.

સાંસદ રાજેશ ચુડાસમાએ રોપ-વેની સફર માણી

એશિયાના સૌથી લાંબા અને વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો કાલે વડા પ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે જુનાગઢ તંત્ર અને પ્રોજેક્ટ  કામગીરી કરનાર ઉષા બ્રેકો કંપની દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, અને આ માટેનો કાઉન્ટડાઉન શરૂ થઇ જવા પામ્યું છે. ત્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા એ રોપવેની ટ્રોલીમાં બેસી અપર સ્ટેશન સુધીની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ તકે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, એશિયા ખંડની આ સૌથી મોટી રોપવે હશે અને ગિરનાર પર્વત ઉપર જ્યારે રોપવે શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનો પ્રવાસન ક્ષેત્રે ભવ્યાતિભવ્ય વિકાસ થશે અને અહીં વર્ષે દા’ડે આવતા ૪૦ લાખ જેટલા પ્રવાસીઓની સંખ્યામાં પણ બમણો વધારો થઈ રોપવેના કારણે ૮૦ લાખથી વધુ પ્રવાસીઓ જુનાગઢ, ગિરનાર અને સોરઠ પંથકના પ્રવાસે આવશે તેમ જણાવ્યું હતું.

રોપ-વે શરૂ થવામાં હવે કોઈ વિઘ્ન નહીં

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિરનાર રોપ વે નું ઇ લોન્ચિંગ કરવાના છે, ત્યારે રોપવેને સેન્ટ્રલ ઇલેક્ટ્રીકલ સર્ટિફિકેટ મળ્યું ન હોવાથી અનેક તર્ક, વિતર્ક થઈ રહ્યા હતા, ત્યારે ગઇકાલે ગુરુવારે આ સર્ટિફિકેટ મળી જતાં, સૌના ઉત્સાહમાં પ્રાણ પુરાયો છે, અને હવે રોપ વે શરૂ થવામાં કોઈ ગ્રહણ નડતું નથી. એક તરફ ગિરનાર લોકાર્પણ માટેની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે બુધવાર સુધી જરૂરી એવું સેન્ટ્રલ ઇલેક્ટ્રીકલ સર્ટિફિકેટ મળ્યું ન હોવાથી અનેક તર્ક, વિતર્ક થઈ રહ્યા હતા, અને તંત્ર, સરકાર તથા કંપની દોડતી થઇ હતી, દરમિયાન ગઇકાલે આ સર્ટી મળી જતા હવે રોપ વે શરૂ થવામાં કોઈ વિઘન નડશે નહિ અને મોદીના હસ્તે તેનું ઇ લોકાર્પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.