Abtak Media Google News

કોચ રાહુલ દ્રવિડના નિર્ણય અને સૂર્યકુમાર યાદવ ઉપરની નિર્ભરતા સહિત અનેક પરિબળોએ ટીમને નુકશાન પહોચાડ્યું

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ગુરૂવારે એડિલેડ ઓવલ મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. સ્ટાર બેટર વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને બાદ કરતા ત્રણ સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા. ઈંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ધીમી અને ખરાબ રહી હતી. જોકે, બાદમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી અને ટીમને મજબૂત સ્કોર તરફ લઈ ગયા હતા. તેમાં પણ હાર્દિક પંડ્યાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને ઈંગ્લેન્ડના બોલર્સની ધોલાઈ કરી હતી. હાર્દિક પંડ્યા નોટ આઉટ રહ્યો હોત પરંતુ અંતિમ બોલ પર તે વિચિત્ર રીતે આઉટ થયો હતો.

ભારતીય ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી પરંતુ આ દરમિયાન અંતિમ ઈલેવનની પસંદગીને લઈને ચર્ચાઓ થતી રહી હતી. તેમાં સતત નિષ્ફળ રહેલા ઓપનર લોકેશ રાહુલને તક ઉપર તક આપવામાં આવી તે ભારતને ભારે પડ્યું હતું. વર્લ્ડ કપમાં ધબડકા બાદ પાવરપ્લેમાં ટોચના સ્ટાર્સનો બેટિંગ એટીટ્યુડ તથા ટીમના કોચ રાહુલ દ્રવિડની જોખમ ન લેવાની વૃત્તિ ટીમના ધબડકાનું કારણ બની છે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.  હવે વન-ડે વર્લ્ડ કપમાં એક વર્ષની જ વાર છે ત્યારે કેટલાક આકરા નિર્ણયો લેવાની જરૂર છે. છેલ્લા નવ વર્ષમાં વૈશ્વિક ટુર્નામેન્ટમાં નોકઆઉટ સ્ટેજમાં ભારતનો આ છઠ્ઠો પરાજય હતો. ભારતના ધબડકા માટે આ કારણો મુખ્ય રહ્યા.

સૌથી મોટું કારણ એ છે કે, પાવરપ્લેમાં ટીમના ટોપ-3 બેટ્સમેનો પાવરપ્લેમાં વધારે પડતી ડિફેન્સિવ રમત રમતી હતી. લોકેશ રાહુલ અને રોહિત શર્માની જોડી એક પણ મેચમાં ધમાકેદાર શરૂઆત અપાવી શકી ન હતી. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામેની અડધી સદી બાદ કરતા પ્રત્યેક મોટી મેચમાં રાહુલ ફ્લોપ રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માની બેટિંગ પણ નિરાશાજનક રહી. આ ઉપરાંત વિરાટ કોહલી પણ પાવરપ્લેમાં ધીમો રહ્યો હતો. ટોચના આ ત્રણેય બેટર્સમાં કોઈ પણ જાતની આક્રમતા જોવા મળી ન હતી. બીજું સૌથી મોટું કારણ એ છે કે, રિશભ પંત વ્હાઈટ બોલ ક્રિકેટમાં શ્રેષ્ઠ છે. ઈનિંગ્સની ઓપનિંગ કરતી વખતે તે નીડરતાથી બેટિંગ કરે છે.

રિસભ પંતની ભૂમિકા ફિનિશરની છે. પરંતુ સેમિફાઈનલમાં ભારતે કાર્તિકના બદલે પંતને સામેલ કર્યો હતો. જો ટુર્નામેન્ટ માટે છેલ્લા ચાર મહિનાથી કાર્તિકને તૈયાર કરવામાં આવ્યો હતો તો પછી મહત્વની મેચમાં તેને કેમ પડતો મૂકવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે.  ત્રીજું સૌથી મોટું કારણ એ છે કે, ટી20 ક્રિકેટમાં યુઝવેન્દ્ર ચહલ ભારતનો સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે, પરંતુ ટી20 વર્લ્ડ કપમાં તેને એક પણ મેચ રમાડવામાં આવી નહીં જે હાસ્યાસ્પદ વાત છે. એક એડિશનમાં તેને પડતો મૂકવામાં આવ્યો હતો જ્યારે આ વખતે તે ખાલી બેન્ચ પર જ બેસી રહ્યો. ઈંગ્લેન્ડ સામે ચહલ વધારે રમ્યો નથી તેથી તેના લેગ-બ્રેક અને ગૂગલી બોલથી તે વધારે અસરકારક રહી શક્યો હોત. હવે ભારતીય ટીમમાં ખૂબ મોટા બદલાવો સામે આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.