Abtak Media Google News

યુવકે ફિનાઇલ ગટગટાવી: વ્યાજખોર અને તેની ત્રણ પુત્રીએ માતા અને પત્નીને માર માર્યો

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ દ્વારા વ્યાજંકવાદને નાથવા માટે ઝુંબેશ ચલાવી છે અને રાજ્યભરમાં વ્યાજખોરો સામે તવાઈ બોલાવી છે. છતાં પણ રાજકોટમાં રણુજા મંદિર પાસે હમ નહિ સુધારેંગેની જેમ વ્યાજખોર લાજવા ને બદલે ગાજ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રણુજા મંદિર પાસે આવેલી ઋષિ પ્રસાદ સોસાયટીમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ વ્યાજખોર અને તેની ત્રણ પુત્રીઓએ યુવાનની માતા અને પત્ની પર હુમલો કરતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રણુજા મંદિર પાસે ઋષિ પ્રસાદ સોસાયટી શેરી નંબર -3માં રહેતા જયદીપ રાયમલભાઈ જલુ નામના 28 વર્ષીય યુવાને સવારે 10 વાગ્યે પોતાના ઘરે ફિનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેમાં જાણવા મળતી પ્રાથમિક વિગત મુજબ જયદીપ જલુએ બે વર્ષ પહેલા પોતાની દયાના નામની પુત્રીની બીમારીની સારવાર માટે વજુ છૈયા પાસેથી રૂ.2 લાખ લીધા હતા. ત્યાર બાદ જયદીપ દ્વારા આ રકમની ભરપાઈ પણ કરી દેવામાં એવી હતી. તેમ છતાં વજુ છૈયાએ વધુ 1 લાખ રૂપિયાની ઉઘરાણી કરી ફોનમાં ધાક ધમકી આપતા જયદીપ જલુએ વખ ઘોળ્યું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ત્યારે આ વાતની જાણ વ્યાજખોર વજુ છૈયાને થતા તે લાજવાને બદલે ગાજ્યો હતો અને પોતાની ત્રણ પુત્રી રિધ્ધિ, હેતલ અને શીતલ સાથે જયદીપના ઘરે દોડી ગયો હતો. જ્યાં વ્યાજખોર અને તેની ત્રણેય પુત્રીએ જયદીપના માતા પુણાબેન અને પત્ની અલ્પાબેન પર પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી ઘવાયેલા પ્રૌઢા અને પરિણીતાને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

ખેરડી ગામે પુત્રના લગ્ન માટે આર્થિક સગવડ ન થતાં જનેતાએ વખ ઘોળ્યું

શહેરના ભાગોળે આવેલા ખેરડી ગામમાં રહેતા મૂળ દાહોદના રહેવાસી સુમિતાબેન પ્રતાપભાઈ ભાભરિયા નામના 45 વર્ષીય મહિલાએ વાડીએ ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સુમિતાબેનને સંતાનમાં 3 પુત્ર અને 2 પુત્રી છે. જેમાં ભોલા નામના પુત્રની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. પરંતુ હાલ તેના લગ્ન નજીક આવતા હોય અને તેની માટે આર્થિક સગવડ ન થતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સોમનાથ સોસાયટીમાં પતિના વિયોગમાં પત્નીએ પણ અનંતની વાટ પકડી

રણુજા મંદિર પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં શેરી નંબર -2માં રહેતા ભારતીબેન ધીરુભાઈ સરવૈયા નામના 60 વર્ષીય વૃદ્ધાએ સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરે એસિડ ગટગટાવી લેતાં તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ વૃદ્ધાએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભારતીબેન સરવૈયાએ સંતાનમાં 2 પુત્રો છે. વીસેક દિવસ પહેલા જ ભારતીબેનના પતી ધીરૂભાઇને હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. જેના વિયોગમાં વૃદ્ધા ભારતીબેનએ પણ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.