ન્યારી-2ના દુષિત પાણીને પીવાલાયક બનાવવા પળોજણ વધુ અને પરિણામ ઓછુ

433 એમસીએફટીની સંગ્રહ શક્તિ ધરાવતા ન્યારી-2ના પાણીને પીવાલાયક કરવા કરોડોનો ખર્ચ કરાયા બાદ પણ કોર્પોરેશન માત્ર 200 એમસીએફટી પાણી ઉપયોગમાં લઈ શકશે: રાજકોટને આટલું પાણી વધીને માત્ર દોઢ મહિનો જ ચાલે !

રાજકોટનો વિસ્તાર અને વસ્તી રાજાની કુંવરીની માફક દિવસે ન વધે તેટલી રાત્રે વધી રહી છે. ચાર દાયકા પૂર્વે શહેરની જળ જરૂરીયાત સંતોષતા જેટલા સ્ત્રોત હયાત હતા. આજની તારીખે માત્ર આટલા જ સ્ત્રોત ઉપલબ્ધ છે. નર્મદા મૈયા શહેરની જીવાદોરી બની જવા પામી છે. સતત વિકસી રહેલા રાજકોટમાં પીવાના પાણીના નવા સ્ત્રોત ઉભા કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ન્યારી-2 ડેમનું પ્રદુષિત પાણી ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય કે કેમ ? તેની સંભાવના ચકાસવામાં આવી રહી છે પરંતુ આ અભિયાનમાં પળોજણ વધુ અને પરિણામ ખુબજ ઓછુ મળે તેવું દેખાઈ રહ્યું છે.

20.70 ફૂટની ઉંડાઈ ધરાવતા ન્યારી-2 ડેમની સંગ્રહ શક્તિ 433 એમસીએફટી છે. ભૂતકાળમાં ડેમમાંથી રાજકોટની દૈનિક જળ જરૂરીયાત સંતોષવા માટે પાણીનો ઉપાડ કરવામાં આવતો હતો પરંતુ અલગ અલગ ઔદ્યોગીક વસાહતોમાંથી છોડવામાં આવતું પ્રદૂષિત પાણી ન્યારી-2માં આવતું હોવાના કારણે હવે ડેમનું પાણી પીવાલાયક રહ્યું નથી.

ગઈકાલે મ્યુનિ.કમિશનર અમીત અરોરા દ્વારા પીવાના પાણીના નવા સોર્સ ઉભા કરવા માટે ન્યારી-2 ડેમની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. જેમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આરઓ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ન્યારી-2 ડેમનું પાણી ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય કે કેમ ? અથવા વોંકળાના પાણી ન્યારી ડેમમાં આવતા હોવાથી ભવિષ્યમાં વોંકળાઓને ભૂગર્ભ ગટર સાથે જોડી દુષિત પાણી ડેમમાં આવતું અટકાવી શકાય કેમ તેની ચકાસણી કરવા સુચના આપી દેવામાં આવી છે.

પરંતુ 433 એમસીએફટીમાંથી 200થી વધુ એમસીએફટી પાણી સિંચાઈ માટે અનામત રાખવું પડે તેમ છે. કરોડો રૂપિયાનો ખર્ચ ક્યા બાદ ન્યારીના દુષિત પાણીને પીવાલાયક બનાવવામાં આવે તો પણ તેમાંથી રાજકોટ શહેર માત્ર 200 એમસીએફટી પાણી ઉપયોગ કરી શકે તેમ છે. દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ આટલું પાણી રાજકોટને માત્ર 1 અથવા વધુને દોઢ મહિનો ચાલી શકે તેમ છે. આવામાં ન્યારી-2 ડેમના પ્રદુષિત પાણીને શુદ્ધ કરવામાં પળોજણ ખુબજ મોટી અને પરિણામ ખુબજ ઓછુ મળે તેવી સંભાવના દેખાઈ રહી છે.

બીજી તરફ જે રીતે શહેરનો વ્યાપ અને વિસ્તાર સતત વધી રહ્યો છે તે જોતા ભવિષ્યને ધ્યાનમાં રાખી જો સ્થાનિક લેવલે નવા જળ સ્ત્રોત ઉભા કરવામાં નહીં આવે તો ખુબજ મુશ્કેલી ઉભી થવાની પણ ભીતિ દેખાઈ રહી છે. હાલ ભાદરને બાદ કરતા એક પણ જળાશય એવું નથી કે જે ઓવરફલો થયા બાદ રાજકોટને આખુ વર્ષ પાણી ચાલે. આજી અને ન્યારી-1 ડેમ છલકાયા બાદ પણ છ મહિનામાં ખાલી થઈ જાય છે. નર્મદા મૈયા જ રાજકોટની જીવાદોરી બની ગયા છે. શાસક પાંખ અને વહીવટી પાંખે હવે નવા જળ સ્ત્રોત શોધવા માટે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂરીયાત છે.