Abtak Media Google News

વર્ષો જૂના ચેકડેમો, જળ-સંગ્રહના માળખા પુનજીર્વિત થશે, તળાવો ઊંડા ઉતારાશે, ખેડૂતો કાંપ લઈ જઈ શકશે

રાજ્યના જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિંછિયાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યમાં જળસંચય માટે પાણી પૂરવઠા વિભાગ દ્વારા 10મી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ અભિયાન શરૂ થશે.

તેમણે વિંછિયામાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તેમજ કામગીરી સમયસર પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં સિંચાઈના અને પીવાના પાણી માટે દૂરંદેશીભર્યું અભિયાન ઉપાડ્યું છે. ભૂતકાળમા નરેન્દ્રભાઈએ સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રમાં સિંચાઈનું પાણી પહોંચે, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામના માધ્યમથી પાણી પહોંચે અને દક્ષિણ ગુજરાતમાં મોટા ડેમો બનાવી, મોટા માળખા ઊભા કરીને સિંચાઈનું પાણી ખેડૂતોને ખેતરો સુધી મળે તે માટે પ્રયાસો કર્યા છે.

આ જળસંચય અભિયાનના ભાગરૂપે પાણી પૂરવઠા વિભાગે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ભૂતકાળમાં બનેલા ચેકડેમો, અછતમાં જળ-સંગ્રહ માટે બનાવાયેલા માળખાં, તળાવોનુ નવીનીકરણ કરવા માટે અભિયાન ઉપાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ પણ આ બાબતે હકારાત્મક અભિગમ સાથે ફંડ સહિતની તમામ મદદની ખાતરી આપી છે. આ અભિયાનના ભાગરૂપે જૂના તળાવનું સમારકામ કરવાના તથા તેમને ઊંડા ઉતારવાના, વેસ્ટ વિયર તૂટી ગયા હોય તો ફરી બાંધવાના, ડિ-સિંક થયેલા તળાવોને ફરી મજબૂત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

રાજ્યમાં 10મી ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ અભિયાન વિધિવત રીતે શરૂ થશે. જેના ભાગરૂપે આ તમામ કામગીરી કરવામાં આવશે. તળાવો ઊંડા ઉતારવાની કામગીરી દરમિયાન નીકળનારો બહુમૂલ્ય કાંપ ખેડૂતો સ્વખર્ચે લઈ જઈ શકશે.   તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વર્ષો જૂના જે તળાવો છે, તેનો સર્વે કરાવ્યો છે અને આવી જગ્યાઓ પર તાત્કાલિક કામો શરૂ થાય અને પાણીનો વધારે સંચય થઈ શકે તે માટેનું અભિયાન પાણી પુરવઠા વિભાગે શરૂ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.