Abtak Media Google News

ગુજરાતી પંચાંગ પ્રમાણે વૈશાખ મહિનાનો પ્રથમ દિવસ એટલે “વૈશાખી પર્વ”. આ દિવસે વિશાખા નક્ષત્ર અને મેષ રાશિમાં સૂર્ય સંક્રમણ કરે છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે એ દિવસ 13 એપ્રિલ તો ક્યારેક 14 એપ્રિલ હોય છે. જેમ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ને ઉતરાયણ કહીએ છીએ, તેવી જ રીતે 13 કે 14 એપ્રિલે મેષ સંક્રાંતિ થતી હોય છે, જેને “વૈશાખી પર્વ” કહેવાય છે. બંગાળમાં નવું વર્ષ તેમજ આસામ માં “બિહુ” અને કેરળ માં “વિશુ” તરીકે આ પર્વની ઉજવણી થાય છે.

Advertisement

વૈશાખી પર્વ હિન્દુઓ માટે અને ખાસ કરીને ખેડૂતો માટે અનાજનો પાક તૈયાર થવાના રૂપમાં યોજાતો એક તહેવાર છે. પંજાબ અને હરિયાણામાં વૈશાખી પર્વ ના દિવસે મેળો પણ ભરાય છે. ખેડૂતો ખેતરમાં ઉભા મોલને જોઈને હરખાતા હોય છે અને નૃત્ય તેમજ સંગીતની સાથે આ પર્વની ઉજવણી કરે છે. ખાલસા પંથની શરૂઆત 13 એપ્રિલ 1699 ના દિવસે  ગુરુ ગોવિંદસિંહ દ્વારા કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહ શીખોના 10 માં અને છેલ્લા ગુરુ હતા. તેમણે “ગુરુ ગ્રંથસાહેબ” ની સ્થાપના કરી હતી. ત્યારબાદ કોઈ વ્યક્તિને ગુરુ નહીં, પરંતુ તેમના ગ્રંથને જ ગુરુ માનતા શીખ ધર્મના અનુયાયીઓ માટે વૈશાખી પર્વ સૌથી મોટો અને મહત્વનો દિવસ છે.

વૈશાખી પર્વ ખુશીઓ મનાવવાનો તહેવાર છે પરંતુ આ દિવસે ઇતિહાસમાં એક એવી ઘટના બની ગઈ કે જેને ભુલવી મુશ્કેલ છે. 13 એપ્રિલ 1919 ભારતના ઇતિહાસમાં કાળી શાહી થી લખાયેલ રક્તરંજિત અને કલંકિત દિવસ ગણાય છે. જે ઘટના પંજાબ પ્રદેશના અમૃતસર ગામમાં બની હતી. તે સમયે બ્રિટિશ શાસન હતું, આર્મી પણ બ્રિટિશરોની હતી. સ્વતંત્રતાના નારા લગાવતા પ્રદર્શનકારીઓની સાથે તે દિવસે ઘણાં નિર્દોષો પણ માર્યા ગયા હતા.ભારતમાં ઉભરતા રાષ્ટ્રીય આંદોલનને કચડી નાખવા બ્રિટિશ સરકાર દ્વારા 19 માર્ચ 1919 ના દિવસે “રોલેટ એક્ટ” નામનો કાનુન જાહેર કરવામાં આવ્યો, આ કાયદા મુજબ ત્રણ વ્યક્તિથી વધારે વ્યક્તિઓએ ભેગા થવું નહીં, જેને કાળો કાનૂન પણ કહેવાય છે.

13 એપ્રિલ 1919 ને વૈશાખી પર્વના દિવસે જલિયાવાલા બાગમાં લોકોને એકઠા થયેલા જોઈને જનરલ ડાયર નામના એક બ્રિટિશ અધિકારીએ તેના સિપાહીઓને ગોળી ચલાવવા આદેશ આપ્યો. અકારણ ચેતવણી આપ્યા વિના ઉપસ્થિત ભીડ પર ધડાધડ ગોળીઓ છૂટવા લાગી. બહાર નીકળવા માટેના રસ્તા પણ બંધ કરી દીધા હોવાથી લોકો પોતાની જાતને બચાવવા ત્યાં રહેલા કૂવામાં કૂદવા લાગ્યા. આ ઘટનામાં સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો અને બાળકો સહિત ઘણો બધો નરસંહાર થયો હતો. તેમાં પણ સૌથી નાનો બાળક 6 અઠવાડિયાનો હતો જે મૃત્યુ પામ્યો હતો. લગભગ 1500 થી વધારે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને 2000 થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. અંતે વૈશાખી પર્વ ની ખુશી જલિયાવાલા બાગ હત્યાકાંડ ના કારણે દુ:ખમાં પરિવર્તિત થઈ હતી. આમ વૈશાખી પર્વ નો આ હરિયાળો દિવસ કાળો દિવસ થઈને રહી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.