‘આજે ફ્રેન્ડશીપ ડે’: લાગણીનું રોકાણ કરીને વ્યાજ સાથે પ્રેમનું વળતર આપતો સબંધ એટલે મિત્રતા

દુનિયામાં બધા જ સબંધ ઈશ્વર તરફથી જ આપણને પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રતા જ એક એવો સબંધ છે જે આપણે જાતે નક્કી કરી શકીએ છીએ. લોહીના સબંધ કરતાં પણ લાગણીના સબંધ વધુ કામ આવે એ મિત્રતા. મિત્ર શબ્દ સાંભળતા જ બધાને પોતાના બેસ્ટ ફ્રેન્ડ, પોતાના પરમ મિત્ર, પોતાના પ્રિય મિત્રની યાદ આવી જાય છે આપણાં જૂના સંભારણા યાદ આવી જાય છે અને ચહેરો પણ સ્મિત કરવા લાગે છે.

જીવનમાં સુખ હોય કે દુખ હોય ગમે તેવી પરિસ્થિતી હોય આખી દુનિયા ભલે સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની જેમ સાથે રહે તે મિત્ર. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર છોડતો નથી.તેથી જ મિત્રતા પર કવિએ ખુબ સરસ પંક્તિ કહી છે કે

શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક
જેમાં સુખ, દુખ પામીએ સો લાખોમાં એક

મિત્ર હમેશા અરીસા અને પડછાયા જેવો હોવો જોઈએ કેમ કે અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાયો ક્યારેય સાથ નથી છોડતો.જે વાતો ઘરના સામે ન કરી શકાય તે વાત જ્યાં મન ખોલીને કરી શકાય એ મિત્ર. જેની સામે ખડખડાટ હસી શકાય એ મિત્ર જેની સામે ચોધાર આંસુએ રડી શકાય એ મિત્ર.

આમ કહીયે તો મિત્રતાની કોઈ વ્યાખ્યા નથી હોતી પરંતુ ટૂંકમાં કહીયે તો અજાણ્યાથી માંડીને સ્પેશિયલ વ્યક્તિની બનવાની સફર એટલે મિત્રતા.જીવનમાં મિત્રો તો ઘડિયાળના કાંટા જેવા હોવા જોઈએ જીવનમાં ભલે કોઈ પણ જગ્યાએ અલગ-અલગ સફર કરે પણ જો કોઈના 12 વગાડવા હોઈ તો બધા જ સાથે ભેગા થઈ જાય. જીવનમાં બધી વસ્તુઓ જૂની થતી જાય તેમ તેની કિંમત ઘટતી જાય પરંતુ મિત્રતા જ એક માત્ર એવો સબંધ છે કે તે જેટલી જૂની એટલો સારો સબંધ. એક સાચો મિત્ર સુખમાં ભલે પાછળ રહે પરંતુ દુખમાં હંમેશા આગળ રહે છે. એટલા માટે જ કવિએ ખૂબ કહ્યું છે કે

મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ છકી રહે’ને દુખમાં આગળ હોય

‘મિત્ર’ એટલે એક એવો સંબંધ કે જેની પાસે વણમાંગ્યો બધો જ ‘હક’ હોય ! જેમ કે, આપણી ઇચ્છા હોય કે ના હોય એ ફોન કર્યા વગર પણ આપણે ત્યાં ટપકી જ પડે ! જો એ સમયે પિતાજી ઘરે હોય તો એકદમ ડાઇ-ડાઇ વાત કરનારો સીઘો-સરળ ‘સજજન’ બની રહે. માં આગળ ચાળી-ચુગલી કરીને લાડકો બની જાય. આપણા મોટા ભાઈ-બહેન સમક્ષ એક ‘આદર્શ’ વિદ્યાર્થી બની રહે.

મિત્રતાના કિસ્સાઓ તો પુરાણોથી લોક મુખે ચર્ચાયેલા છે પછી તે સુદામા અને કૃષ્ણ હોય કે રામ અને હનુમાન. કૃષ્ણ સુદામાની દોસ્તી તો સૌથી આદર્શ દોસ્તી જણાય છે.

આપણી નાની મોટી દરેક ટેવ-કુટેવથી વાકેફ જ નહીં પણ આપણા કોઈ ગફલાં કે ગતકડાંનો રાઝદાર કે સાક્ષી જે ગણો તે આ ‘મિત્ર’ જ હોય છે. અને જ્યારે કોઈ કપરી પરિસ્થિતિ આવી પડેને ત્યારે પાનના ગલ્લે પૈસા ન કઢનારો એ મિત્ર પોતાનો જીવ પણ કાઢી આપવાની જીગરવાળો હોય છે. મુશ્કેલીના સમયમાં આપણને કહે છે કે, હું છું ને યાર ! તારી સાથે, તું શું કામ ટેન્શન લે છે? બધું જ સારું થઈ જશે !” – બસ, આવા બે બોલ બોલનાર એટલે મિત્ર.