Abtak Media Google News

૩૦ જાન્યુઆરી એટલે  મહાત્મા ગાંધી પરીનિર્વાણ  દિવસ. યુગપુરુષ મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર  સૌને માટે  પ્રેરણારૂપ છે. તેમના વિચારો તથા  કાર્યોનો પ્રચાર-પ્રસાર ભાવિ પેઢીના ઘડતર માટે પ્રેરણા પૂરી પાડે છે. ૨૦૦૮થી યુનોએ ગાંધીજીની  પુણ્યતિથિએ  વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. મહાત્મા ગાંધીનો જન્મ ૧૮૬૯ના ઓક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં કરમચંદ ગાંધીને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી રાજકોટ રાજ્ય અને ત્યારબાદ વાંકાનેર દિવાન પદે હતા અને છેલ્લે રાજકોટ રાજ્યના પેન્શનર હતા. મોહનદાસ કરમચંદ ગાંધીનુ બાળપણ પોરબંદર અને રાજકોટમાં વીત્યું હતું તેમણે કોલેજ શિક્ષણ ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રાપ્ત કર્યું ત્યારબાદ વિલાયત જઈને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી હતી.  ગાંધીજીએ શરૂઆતમાં મુંબઈમાં વકીલાત શરૂ કરી હતી ત્યારબાદ શેઠ અબ્દુલ્લાના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા હતા અને રંગભેદની નીતિનો વિરોધ કર્યો હતો તેઓ દક્ષિણ આફ્રિકામાં હિન્દી  ગિરમિટિયાઓનો  કેસ લડ્યા હતા. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપીનીયન પ્રેસનો  વહીવટ સંભાળ્યો હતો. ૧૯૧૫થી ગાંધીજીએ ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો અને પૂર્ણ સ્વરાજ માટે લડત શરૂ કરી. યંગ ઈન્ડિયા’માં રેટીયા વિશે લખતાં ગાંધીજી કહે છે કે ચરખાનો સંદેશ તેના પરિઘ કરતાં તો ઘણો બધો વ્યાપક છે. રેટીયો સાદાઈ, માનવસેવા અને અહિંસામય જીવન તથા ગરીબ અને અમીર,  રાજા અને ખેડૂતો વચ્ચે કાયમી સેતુ બનાવવા માટેનો સંદેશ આપે છે. ગાંધીજીનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે વધુ લોકોને રોજગારી આપવી હોય અને સ્વાશ્રય બનાવવા હોય તો ગૃહ ઉદ્યોગ સિવાય કોઈ વિકલ્પ નથી. તેઓ કહેતા કે આજે દેશને સારા વકીલ ડોક્ટર અને ઇજનેરની જરૂર છે. જે લોકો કંઇક વિશિષ્ટ છે તે પોતાની કાર્ય શક્તિથી પાછળ રહી ગયેલા લોકોને આગળ લાવવામાં મદદ કરે તો ચોક્કસ આર્થિક અસમાનતા ઘટાડી શકાય. ગાંધીજી સત્ય અહિંસા અને સત્યાગ્રહના ઉપાસક રહ્યા છે. ગાંધીજીના શિક્ષણ અંગેના પ્રયોગો તો છેક દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમથી શરૂ થઈ ગયા હતા. શિક્ષણનું માધ્યમ માતૃભાષા દ્વારા  તેમજ ઉદ્યોગ દ્વારા શિક્ષણ, સ્વાવલંબન, ફરજિયાત શારીરિક કેળવણી સેવા તત્વને ઉજાગર કરતી રૂપરેખા આ શિક્ષણ વિચાર પદ્ધતિ માટે ગાંધીજીએ નવી તાલીમ શબ્દ સૌપ્રથમ પ્રયોજ્યો  નવજીવન, યંગ ઇન્ડિયા વગેરે પત્રોમાં ગાંધીજી લડત અંગેના અસ્પૃશ્યતા અંગેના સમાચાર  તેમજ વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓ માટે પણ કેટલાક લેખો લખતા હતા.

તેમના માટે પત્રકારત્વ એ લડતનું સાધન નહિ પરંતુ  આત્મશુદ્ધિનું સાધન પણ હતું. નિયમિતતા એ ગાંધીજીના પત્રકારત્વની  આગવી ઓળખ છે. એમણે જિંદગીના ચાળીસેક વર્ષો પત્ર ચલાવ્યા. ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે ૧૯૦૮માં રજૂ થયેલા હિન્દ સ્વરાજ નામના પુસ્તકમા ગાંધીજીએ પર્યાવરણ અંગેના વિચારો રજૂ કર્યા છે જે મુજબ ગાંધીજીના મતે આ પૃથ્વી સૌ કોઈ લોકોની જરૂરિયાતને સંતોષી શકે છે પણ તેના લોભને નહીં તેવો ખ્યાલ પ્રસ્તુત કર્યો છે. આત્મનિર્ભરતા આર્થિક ગરીબાઈ માટેના  અકસીર ઉપાય તરીકે ગાંધીજીએ ગણાવી છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ સૂત્ર ગાંધીજી આચરતા. સ્ત્રીઓ માટે ગાંધીજીના હૃદયમાં અપાર સન્માનની ભાવના હતી તેઓએ સ્ત્રી સ્વાતંત્ર અને સ્ત્રી પુરુષ સમાનતાની હિમાયત કરી. ૨૪ ફેબ્રુઆરી ૧૯૪૦ પત્રિકામાં લખેલ કે મારો પોતાનો વિચાર એવો છે કે મૂળભૂત રીતે સ્ત્રી કે પુરુષ એક જ છે. તેવી જ રીતે તેમની સમસ્યા પણ એક જ હોવી જોઈએ બંનેમાં એક જ આત્મા  બિરાજમાન છે. બંને એક જ પ્રકારનું જીવન વિતાવે છે. બંનેમાં એક જ ભાવના છે બંને એકબીજાના પ્રેરક છે, એકની સક્રિય સહાયતા વિના બીજો  જીવી નથી શકતો. ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે ગાંધીજીએ સ્વાતંત્ર્ય ચળવળમાં સ્ત્રીઓને પણ સાંકળી લીધી તેમના નેતૃત્વ હેઠળ સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળીને રાષ્ટ્રીય લડતમાં જોડાઈ. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે પોતે એવી વાત કહી હતી કે જો મારે ફરીને જન્મવાનું હોય તો મારો જન્મ અસ્પૃશ્ય તરીકે હોવો જોઈએ જેથી હું તેમના દુ:ખો યાતનાઓ સમજી શકું અને મારી જાતને એ દયાજનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે પુરુષાર્થ કરી શકું.   બેરોજગારી દૂર કરવા માટે ખાદી તેમણે ચાવીરૂપ ગણી હતી. ગાંધીજી કહેતા મારે મન ખાદી હિન્દુસ્તાનની સમગ્ર વસ્તીની એકતાનું તેના આર્થિક સ્વાતંત્ર અને સમાનતાનું પ્રતિક છે. વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીના જીવન અને કાર્યોનો અભ્યાસ કરતા એમનું પ્રદાન સૌથી ધ્યાન ખેંચે છે કે તેમણે સત્તાના રાજકારણનો અસ્વીકાર કર્યો અને રાજકારણમાં શુદ્ધતાને પ્રાધાન્ય આપ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.