Abtak Media Google News

એક જ વિષયના ઘણા બધા લોકો હોય પણ જયારે વ્યકિત કે સંસ્થા સતત પ્રગતિ કરે તો અન્ય લોકો તેમની પ્રગતિને અટકાવવા અને પછાડવાના પ્રયત્નો કરે તે આ સિન્ડ્રોમથી પીડાતા હોય છે

સામાન્ય રીતે થોડી ઘણી ઇર્ષાનો આવેગ વ્યક્તિઓ માં હોય છે પણ જયારે તેની માત્રા વધી જાય ખાસ કરીને અન્ય વ્યક્તિ કે અન્ય સંસ્થા જ્યારે પ્રગતિ કરતી હોય અને એ પ્રગતિ જોઈ તેને કોઈપણ રીતે અટકાવવાની વિકૃતિ એટલે ટોલ પોપી સિન્ડ્રોમ. આ માનસિકતા પાછળનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ અને ડો.ધારા આર. દોશી દ્વારા કરવામાં આવ્યું કે આ સિન્ડ્રોમનું મુખ્ય કારણ એ લોકોમાં રહેલી અસલામતીની ભાવના હોય છે. કોઈના આગળ વધી જવાથી પોતે પાછળ રહી જશે તેવો ડર અને મન માં સતત ભમ્યા કરે છે.

જેના પરિણામે તેઓ અન્ય કરતા આગળ કઈ રીતે વધવું તેના કરતાં એમની વૃદ્ધિ કઈ રીતે અટકાવવી એ વિષેના વિચારો અનુભવે છે. જેમ કે એક જ વિષયના ઘણા બધા લોકો હોય પણ જ્યારે એક વ્યક્તિ કે સંસ્થા સતત પ્રગતિ કરે તો અન્ય લોકો તેમની પ્રગતિને કોઈપણ રીતે અટકાવવા અને તેને પછાડવા પ્રયત્નો કરે તે આ સિન્ડ્રોમથી પીડાતા હોય છે.આ પ્રકારની માનસિકતા ઇર્ષ્યાવૃત્તી ને પણ આકર્ષે છે. આવી માનસિકતા ધરાવતા લોકો સામાજિક સમાયોજન પણ સારી રીતે સાધી નથી શકતા કારણ કે તેઓ અન્યોની પ્રગતિ કે વૃદ્ધિ વિધાયક રીતે અપનાવી નથી શકતા.

ટોલ પોપી સિન્ડ્રોમને કારણે થતી નિષેધક અસરો

  1. ઇર્ષ્યાવૃત્તિમાં વધારો થાય છે.
  2. સામાજિક સમાયોજન સાધવામાં મુશ્કેલી પડે છે.
  3. સતત નકારાત્મક વિચારો ની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે.
  4. આનંદવૃત્તી ઘટી જાય છે.
  5. સતત સ્ટ્રેસ નો અનુભવ થાય છે.
  6. સતત ખોટા વિચારો રોગ પ્રતિકારક શક્તિ નબળી પાડે છે.
  7. લઘુતાગ્રંથિ અનુભવાય છે.
  8. આનંદ ના સમયમાં પણ વ્યક્તિ ઉદાસ રહે છે.
  9. સતત કોઈનો દોષ જોવામાં પોતાની પ્રગતિ પણ અટકાવે છે

ટોલ પોપી સિન્ડ્રોમ ઘટાડવાના ઉપાયો

  1. અન્યોની સફળતા પાછળ એમની મેહનતને જાણવાનો પ્રયત્ન કરવો.
  2. બને ત્યાં સુધી નિષેધક વિચારો અને વાતોથી દૂર રહેવું.
  3. દરેક બાબતને સાચા અને વિધાયક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવો.
  4. જરૂર લાગે તો નિષ્ણાંત ની સલાહ લેવી.
  5. કોઈના સ્થાને વિધાયક રીતે પહોંચવા પ્રયત્ન કરવા.

શું છે આ સિન્ડ્રોમ?

ટોલ પોપી સિન્ડ્રોમ એ એક પ્રકારનો વિચારવાનો દૃષ્ટિકોણ છે તેવું કહી શકાય. કારણ કે આવી માનસિકતા પાછળ એક ચૂસ્ત દૃષ્ટિકોણ પણ અસર કરતો હોય છે, આથી તેઓ અન્યો ની સફળતા સાથે કોઈ નિષેધક બાબત જોડવાનો પ્રયત્ન કરે છે. આવી માનસિકતા ધરાવતા લોકો અન્યોની સફળતા જોઈ નથી શકતા અને તેમને ગમે તેમ કરી નીચું દેખાડવાના પ્રયત્નો કરવા લાગે છે. દા.ત. જો કોઈ વ્યક્તિ પોતાની મહેનત થી આગળ આવી હોય તો તેને કોઈ લાગવગ લગાડી હશે અથવા પૈસા ખવડાવ્યા હશે તેવી વાતો કરી તેમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરે છે.

આવી માનસિકતાને પરિણામે તેઓ અન્યોની સફળતા કે વૃદ્ધિ જોઈ ને સતત સ્ટ્રેસ કે લઘુતાગ્રંથિ અનુભવે છે. જેની અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નિષેધક રીતે પડી શકે છે. આવી માનસિકતાને પરિણામે તેઓ સફળ વ્યક્તિની ટીકા કરવાનું શરૂ કરે છે અને એટલું જ નહિ તેમના વિશે અન્યો સામે નિષેધક વાતો કરવાનું શરૂ કરી દે છે. ત્યાં સુધી કે વ્યક્તિના ચરિત્ર વિશે પણ નિષેધક વાતો કરી સમાજમાં નામ બદનામ કરે છે. સતત ટીકાઓ અને નિષેધક બાબતો દ્વારા સફળ વ્યક્તિના મનોબળને નબળુ કરવાનો પ્રયત્ન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.