Abtak Media Google News
  • જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા જોખમી રીતે ગેસ રિફિલીંગ કાંડ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડતા પોલીસબેડામાં દોડધામ
  • ગેસના ટેન્કરમાંથી નોઝલની મદદથી સરા જાહેર ગેસ સિલિન્ડર ભરવાના કૌભાંડનો પર્દાફાંસ: અડધા કરોડનો મુદામાલ કબ્જે

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી નજીક રંગપરના પાટીયા પાસે વંડામાં ગેસના ટેન્કરમાં ગેસ સિલીન્ડર ભરવાનું કૌભાંડ જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ ચાલતું હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગેસ રિફિલીંગ કૌભાંડનો પર્દાફાસ કર્યો છે. પોલીસે આઇસર ટેન્કર, ગેસના ખાલી અને ભરેલા સિલિન્ડર સહિત અડધા કરોડનો મુદામાલ કબ્જે કરી સાત શખ્સોની ધરપકડ કરતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રંગપરના પાટીયા પાસે જવાહર નવોદય સ્કૂલ પાછળ વંડામાં ગેસના ટેન્કરમાંથી ખાલી બાટલા ભરવામાં આવતા હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાય.એસ.પી. કે.ટી.કામલીયા સહિતના સ્ટાફે વહેલી સવારે રંગપર ખાતે ગેસ રિફિલીંગ અંગે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન રંગપરના પાટીયા પાસે ગેસ રિફિલીંગ કરી રહેલા રાજકોટના દિનેશ સવા સાતરા, સાગર મનુ ભરવાડ, સિંધા હીરા વરૂ, મુકેશ રામરાજ ગુપ્તા, મહેશ નાથાલાલ ચાવડા, ગોરધન દિનેશ ડાભી અને સિંધા નાગજી જુંડીયા નામના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના દરોડા દરમિયાન દિનેશ ફાંગલીયા નામનો શખ્સ ભાગી છુટતા તેની શોધખોળ હાથધરી છે.

પોલીસે ગેસ ભરેલું ટેન્કર, બોલેરો, 48 ગેસ સિલિન્ડર, મોબાઇલ અને રોકડ મળી રૂા.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.પોલીસની પ્રાથમિક તપાસ દરમિય્ન રાજકોટના શખ્સોએ છેલ્લા દોઢેક માસથી ગેસ રિફિલીંગ કૌભાંડ રંગપરના પાટીયા પાસે ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા આ શખ્સો રાજકોટ શહેર પોલીસની હદમાં ગેસ રિફિલીંગ કૌભાંડ ચલાવતા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.