Abtak Media Google News

સરસ્વતી શિશુમંદિરમાં ગુજરાતી ઉપરાંત અંગ્રેજી માધ્યમની શૈક્ષણિક સેવાનો શુભારંભ

આધુનિક તકનીક અને સાધનો સાથે ખૂબ જ વાજબી ફીમાં હવે ગુજરાતી સાથે અંગ્રેજી ભાષાનું શિક્ષણ પણ મેળવી શકાશે : અપૂર્વભાઈ મણીઆર

સંસ્કારયુક્ત શિક્ષણ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં પણ મળે તેવી વ્યવસ્થા વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા ઉભી કરવામાં આવી છે : ડો. બળવંતભાઈ જાની

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે.

રાજકોટના મારૂતિનગર ખાતે એરપોર્ટ રોડ પર આવેલા સરસ્વતી શિશ ુમંદિરના નવનિર્મિત સંકુલના લોકાર્પણ કાર્યક્રમની જાણકારી આપતા સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, શિક્ષણ જગતમાં છેલ્લા 38 વર્ષોથી સંસ્કાર મૂલક શિક્ષણના પર્યાય બનેલું સરસ્વતી શિશુ મંદિર ગુજરાતી ઉપરાંત હવે અંગ્રેજી માધ્યમ સાથે નવનિર્મિત સંકુલમાં પ્રસ્થાન કરી રહ્યું છે. આધુનિક સમયની માંગ અમે જરૂરિયાતને અનુલક્ષી સરસ્વતી શિશુમંદિરના પ્રવીણકાકા મણીઆર કેમ્પસમાં શશિકાંત જી. બદાણી સરસ્વતી વિદ્યાલય ગુજરાતી માધ્યમ ઉપરાંત દયાબેન જી. શેઠ સફલ વિદ્યાલય અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ – સરસ્વતી શિશુમંદિરના સ્થાપકો પી.વી. દોશી – પપ્પાજી તથા પ્રવીણભાઈ મણીઆર – કાકાનું સપનું હતું કે, સરસ્વતી શિશુ મંદિરમાં સંસ્કારયુક્ત શિક્ષણ મળતું રહે. આ સાથે જ વિદ્યા ભારતી પ્રાંતની અંગ્રેજી માધ્યમ શાળાની યોજના હતી જેમાં રાજકોટના શિશુ મંદિરની પસંદગી થઈ છે. આમ હવે સરસ્વતી શિશુમંદિર ગુજરાતી ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં સંસ્કારયુક્ત શિક્ષણ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આધુનિક તકનીક અને સાધનો સાથે ખૂબ જ વાજબી ફીમાં ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાના આ ભગીરથી કાર્યમાં અમને સાથ-સહકાર આપનારા સૌ દાતા પ્રત્યેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ તેમના નામને અનુરૂપ આ જ પ્રકારે શિક્ષણ અને સમાજની સેવામાં પોતાનું વધુમાં વધુ યોગદાન આપતું રહેશે એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.

આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ જણાવ્યું હતું કે, માતૃભાષા સાથે ઈંગ્લિશ મીડિયમમાં શિક્ષણનું આદાન-પ્રદાન એ સમયની માંગ છે. અમારો એકમાત્ર હેતુ વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી સંસ્કારલક્ષી શિક્ષણ સાથે ગુજરાતી-અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ-જર્મન જેવી ભાષા શીખી વિશ્વફલક પર મા ભારતીનું નામ રોશન કરે એટલું જ છે.

અલબત્ત પોતાના સંતાનો સંસ્કાર સાથેનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં મેળવી શકે એ દરેક વાલીનું સપનું હોય છે, દરેક વાલીના આ સપનાને સાકાર કરીને સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ શિક્ષણ જગતમાં પોતાની નૈતિક જવાબદારી અદા કરી રહ્યું છે એવું ડો. બળવંતભાઈ જાનીએ જણાવ્યું હતું અને સરસ્વતી શિશુમંદિરના નવનિર્મિત સંકુલના લોકાર્પણ પ્રસંગે સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ ડો. અનિલભાઈ કિંગર, રમેશભાઈ ઠાકર, પલ્લવીબેન દોશી, ખંતિલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત સહિતનાઓનો સાથ-સહકાર બદલ તેમજ સર્વે દાતાઓ, આચાર્યગણ, વાલીમંડળ, ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.