રંગીલા રાજકોટના રામ વનમાં પર્યટકો માણી શકશે રામધૂન સહિતના ભજનોની મોજ

આજી ડેમ પાસે નિર્માણ પામી રહેલ અર્બન ફોરેસ્ટ “રામ વન”ની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

રાજકોટ શહેરમાં કુદરતી વાતાવરણમાં વધારતો કરતુ અર્બન ફોરેસ્ટ “રામ વન નિર્માણ પામી રહેલ છે. જેની કામગીરી પૂર્ણતાનાં આરે છે. આજી ડેમ પાસે કુદરતી સોંદર્ય ધરાવતા સ્થળે ૪૭ એકર જમીનમાં તૈયાર થઇ રહેલ રામ વન શહેરની સુંદરતામાં વધારો કરશે. શહેરીજનોને હરવા ફરવા માટે એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. આજ રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રામ વન અર્બન ફોરેસ્ટની મુલાકાત કરી હતી. જેમાં મ્યુનિ. કમિશનરએ લોકોને વિવિધ સુવિધા મળી રહે તે માટે સુચનો કર્યા હતા.

રામ વન ખાતે હાલ ૯૮% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. હાલ સફાઈ અને ફાઈનલ ફીનીશીંગ ટચની કામગીરી ચાલી રહી છે. રામ વનમાં વિવિધ સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ સ્કલ્પચર વ્યવસ્થિત દેખાય તે મુજબ વૃક્ષ ટ્રીમીંગ કરવા, સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુચન બોર્ડ રાખવા, આર્ટીસ્ટીક બોર્ડ લગાવવા, રામવનની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી પ્લાસ્ટિક લઇ જવા પર પ્રતિબંધ, સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરવા અંગેના સુચનો કર્યા હતા.

સમગ્ર રામ વન CCTV સુરક્ષાથી સજ્જ કરવું અને મ્યુઝીક સિસ્ટમ લગાવવી અને તેમાં રામધૂન સહિતના ભજનો ચાલુ રહે તેવું પણ સંબંધિત અધિકારીને મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી. આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, એ. આર. સિંઘ, સિટી એન્જી. અઢીયા, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન લક્ષમણસિંહ ચૌહાણ, પી.એ.(ટેક.)ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઈ. પરેશ પટેલ અને બી. પી. વાઘેલા હાજર રહ્યા હતા.