Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે.

Advertisement

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં 2006થી ઘોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. આજે ‘ઘોરડો’ આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.

યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ એવોર્ડ ‘વલ્ર્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એનાયત કરવામાં આવ્યો છે.

યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્ર્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ

વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડોને ‘વલ્ર્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’એવોર્ડથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે.  ભારતમાંથી એકમાત્ર ધોરડોને ’બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન  દ્વારા વર્ષ 2021થી આ એવોર્ડ એનાયત કરવામા આવે છે. યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.

કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે  ટ્વિટ કરીને જણાવ્યું કે, કચ્છના ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય તરીકે ઉજવવામાં આવે છે તે જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતું રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું રહે એવી લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છના ઘોરડોમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આજે ગુજરાતને અને કચ્છને વૈશ્વિક ટુરિઝમના નકશામાં આગવું સ્થાન મળ્યું છે તે ગુજરાત માટે આનંદની વાત છે.

તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે.

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છનું ઘોરડો માત્ર પ્રવાસન જ નહી પણ રાષ્ટ્રીય સ્તરે વહીવટી તંત્ર માટે તાલીમનું કેન્દ્ર પણ બન્યું છે.

ઘોરડોના રણોત્સવમાં વર્ષ 2022-23માં અંદાજે 2.42 લાખથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા હતા. જેના પરિણામે સ્થાનિકોને રોજગારી આપવામાં ઘોરડો મહત્વનું પ્રવાસનધામ સાબિત થયું છે. આ એવોર્ડ પ્રાપ્ત થવાથી હવે ઘોરડો વધુને વધુ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી રોજગારીમાં વધારો થશે

ગુજરાત સરકારે ધોરડોને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સતત કામ કર્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે અહીં રણોત્સવનું પણ આયોજન કરે છે જે 4 મહિના સુધી ચાલે છે. રણોત્સવ એ ભારત અને વિદેશના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય પ્રસંગ છે, જ્યાં વિશ્વભરના લોકો ધોરડો અને તેની આસપાસના કુદરતી સૌંદર્યને વર્ષ 2006થી રેકોર્ડ સ્તરે માણવા આવે છે. એટલું જ નહીં, રણ ઉત્સવ એ ધોરડોની સૌથી વધુ આવક પેદા કરતી આર્થિક પ્રવૃત્તિઓમાંની એક છે.

ભારતના પશ્ચિમ ખૂણામાં કચ્છના રણમાં આવેલું ધોરડો એ વિશ્વના સૌથી રસપ્રદ કુદરતી સ્થળોમાંનું એક છે. થાર રણમાં હાજર વિશાળ સોલ્ટ માર્શ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષક દૃશ્ય પ્રદાન કરે છે.

આગાઉ વર્ષ 2017-18માં રાષ્ટ્રીય સ્તરે મોસ્ટ રિસ્પોન્સિબલ ટુરિઝમ પ્રોજેક્ટ ઈનિશેટીવ માટે કચ્છના ઘોરડોની પસંદગી કરીને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી વાઈબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.