Abtak Media Google News

આજથી યાર્ડમાં તમામ જણસીની હરાજીનો આરંભ

અબતક,મેહુલ ભરવાડ, હળવદ

હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધ્રાંગધ્રાના કોંઢ ગામના શખ્સ દ્વારા અગાઉ ખંડણી માટે ધમકી અપાયા બાદ ફરી એક વખત રસ્તા ઉપર આંતરી જાનથી પતાવી દેવાની ધમકી અપાતા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખાંડણીખોરના ત્રાસમાંથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે હળવદ યાર્ડ બંધ રાખવા જાહેર કરતા  ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીએ વેપારીઓ સાથે બેઠક યોજી કડક પગલાંની ખાતરી આપતા અંતે આજે હડતાલ સમેટાઈ છે અને આજથી યાર્ડ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.15ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને અગાઉ 90 લાખની ખંડણી વસૂલવા ધમકી આપનાર કોંઢ ગામના જશપાલસિંહ ઝાલા દ્વારા ફરીથી ધમકી આપી જાનથી પતાવી દેવાનું જણાવતા વેપારીઓમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા જ્યાં સુધી ખંડણીખોર ઝડપાઇ નહીં અને આરોપી વિરુદ્ધ પાસા સહિતના કડક પગલાં ન ભરવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે યાર્ડમાં વેપાર ધંધા બંધ કરી દીધા હતા.

બીજી તરફ આ મામલે આજે મોરબી DYSP રાધિકાબેન ભારાઈ,માર્કેટીંગયાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,એલસીબી PSI એન.બી ડાભી હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ.એ જાડેજા,યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ સહિતના અધિકારી પદાધિકારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ સાથે બેઠક યોજી આરોપી વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપતા વેપારીઓ દ્વારા સોમવારથી માર્કેટીંગ યાર્ડ ખુલ્લુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.