Abtak Media Google News

ટ્રાફિક નિયમનનું સુચા આયોજન: ટ્રાફિક સિગ્નલ પર લેફટ ટર્ન માર્કિંગ અમલી, નો પાર્કિંગ અને નો એન્ટ્રી રોડ પર પ્રિન્ટ કરાશે

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની અધ્યક્ષતામાં ટ્રાફિક નિયમન અંગે બેઠક યોજાઈ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગર પાલિકા સાથે મળી રાજકોટ શહેરને સ્માર્ટ સિટીની પહેલના અનુસંધાને ટ્રાફિક અવેરનેસ તેમજ ટ્રાફિક સેન્સ ડેવલપ કરવા વિવિધ પગલાંઓ હા ધરવા માટે સંબંધિત વિભાગોની આયોજીત એક રીવ્યુ બેઠકમાં વિવિધ નિર્ણયો અને કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.

Advertisement

વાહન ચાલકો ટ્રાફિક નિયમો અંગે સજાગ બને તેમજ રોડ રસ્તા પર વિવિધ સાઈન – સિગ્નલ દ્વારા નિયમ ભંગના થાય તે માટે પગલાંઓ હાથ ધરવામા આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને રાજકોટ શહેરના તમામ મુખ્ય ૧૧ ટ્રાફિક સિગ્નલ પર લેફ્ટ ટર્ન માર્કિંગ કરવામાં આવશે જેથી કરીને ડાબી તરફ જવા માંગતા વાહનો સહેલાઈથી જઈ શકે. રોડ પર નો પાર્કિંગ તેમજ નો એન્ટ્રી પ્રિન્ટ કરાવશે જેથી કરીને વાહન ચાલકો ગુનાનો ભોગ ના બને તેમજ ટ્રાફિક સમસ્યામાં વધારો ના થાય. ફેરિયા તેમજ રેકડી ધારકો માત્ર હોકર્સ ઝોનમાં જ ઉભા રહી શકશે તે માટે રાજમાર્ગો પર ખાસ ઝુંબેશ ચલાવશે.

સર્વે મુજબ રાજકોટ શહેરમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં ટુ-વહીલર ધારકોનું પ્રમાણ ૯૫ ટકા જેટલું હોય છે ત્યારે આ બાબતની ગંભીરતા સમજી ચાલકો હેલ્મેટનો ઉપયોગ કરે તે જરૂરી હોવાનું પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે જણાવ્યું હતું, તેમણે એવો નિર્દેશ કર્યો હતો કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ હેલ્મેટ ર્એ જાગૃત બને તે માટે સંચાલકો માર્ગદર્શકની ભૂમિકા ભજવે. આ ઉપરાંત ૧૮ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ વાહન ના ચલાવે તે માટે શાળાના સંચાલકોએ જવાબદારી નિભાવવી જોઈએ.

આર.ટી.ઓના અધિકારી બી. એમ. પ્રજાપતિના જણાવ્યું મુજબ પ્રદુષણ નિયંત્રણ અર્થે શહેરમાં ડીઝલ પેસેન્જર રીક્ષાઓ પર પ્રતિબંધ છે અને તેનો ભંગ કરનારને આર.ટી.ઓ દવારા આકરો દંડ કરવામાં આવશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર સિર્દ્ધા ખત્રીની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં શહેરમાં જરૂરી વન-વે, પે એન્ડ પાર્ક, રોડ પર સાઈન બોર્ડ જેવી બાબતો પર નિર્ણાયક ચર્ચા કરવામાં આવી હતી.શહેરના લોકો આ ઝુંબેશમાં હકારત્મક અભિગમ અપનાવે તે જરૂરી હોવાનું તેમજ લોકોના સૂચનો આવકાર્ય હોવાનું પોલીસ કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું. આ બેઠકમાં આર.ટી.ઓ., મહાનગર પાલિકા, એસ. ટી., હાઇવે ઓથોરિટી, સિવિલ હોસ્પિટલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ સહભાગી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.