Abtak Media Google News
  • દેણું થઇ જતાં રજપૂતપરામાં ટિફિનના ધંધાર્થીએ સુડાથી ગળું કાપી જીવન ટૂંકાવ્યું
  • ધંધામાં મંદી આવતા શિવનગરના પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી
  • આણંદપર બાઘી ગામે બીમાર પુત્રની ચિંતામાં આધેડ ખેડૂતે આપઘાત કર્યો
  • રાજકોટમાં રહી નોકરી કરવા ઇચ્છતી યુવતીને પરિવારે ભાવનગર તેડાવી લેતા ગળાફાંસો ખાધો

રાજકોટ શહેરના રજપુતપરામાં રહેતા અને ટિફિનનો વ્યવસાય કરતા પ્રૌઢે રૂ. 15 લાખનું દેણું થઈ જતા સોપારી કાપવાના સુડા વડે ગળું કાપી મોત વ્હાલું કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પ્રૌઢ પાડોશમાં જ આવેલી મિત્રની દુકાને ગયાં હતા ત્યારે મિત્ર ચા લઈને પરત ફરતા મિત્રની લોહીલુહાણ હાલતમાં પડેલી લાશ જોઈ ચોંકી ઉઠ્યા હતા.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના રજપૂતપરા શેરી નં.-2 માં રહેતા રાજેશભાઈ બટુકભાઈ ચૌહાણ (ઉ.વ.55)એ શુક્રવારે મોડી સાંજે તેમના ઘર નજીક આવેલી સુરેશભાઈ કરસનભાઈ ચૌહાણની દુકાને જઈ સોપારી કાપવાના સુડાથી પોતાનું ગળું કાપી જીવનનો અંત આણી લીધો હતો. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ બારોટ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર રાજેશભાઈ ચૌહાણને સંતાનમાં એક પુત્ર મયુરભાઈ અને એક પુત્રી પ્રિયંકાબેન છે. રાજેશભાઈ અને તેના પરિવારજનો ટિફિન સર્વિસનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. કોઈ કારણોસર રાજેશભાઈએ બેંકમાંથી લોન લીધી હતી અને લોનના વ્યાજ સહિત અંદાજે રૂપિયા 15 લાખનું દેણું થઈ ગયું હતું. લાખો રૂપિયાના દેણાના કારણે છેલ્લા થોડાક સમયથી રાજેશભાઈ ચિંતામાં રહેતા હતા.

શુક્રવારે સાંજે રાજેશભાઈ નિત્યક્રમ મુજબ પાડોશમાં જ રહેતા અને સોપારી કટીંગનું કામ કરતા તેમના મિત્ર સુરેશભાઈ કરસનભાઈ ચૌહાણની દુકાને બેસવા ગયા હતા. થોડીવાર બેઠા સુરેશભાઈ ચા લેવા ગયા હતા અને ચા લઈને પરત ફર્યા ત્યારે તેમની સામે આવેલું દ્રશ્ય જોઈ તેઓ પોતે ચોંકી ઉઠ્યા હતા. રાજેશભાઈ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા અને તેમના ગળાના ભાગે સોપારી કાપવાનો સુડો પડ્યો હતો. લાખોના દેણાથી કંટાળી આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

આપઘાતના બીજા બનાવમાં શિવનગર શેરી નંબર 10માં રહેતા નિમેષભાઇ રવજીભાઈ સખીયા નામના 45 વર્ષીય કારખાનેદારે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતા તુરંત 108ને જાણ કરવામાં આવી હતી. બાદમાં તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

બનાવની જાણ માલવીયાનગર પોલીસને થતાં સિવિલ હોસ્પિટલ દોડી જઇ જરૂરી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.જેમાં નિમેષભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેઓને પટેલનગર વિસ્તારમાં હાર્ડવેરનું કારખાનું આવેલું છે. ધંધામાં મંદી ચાલતી હોય તેની ચિંતામાં પગલું ભરી લેતા બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આણંદપર બાઘી ગામમાં રહેતા મહેશભાઈ આંબાભાઈ વાઢેર નામના ૫૦ વર્ષીય ખેડૂતે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં મહેશભાઈ ખેતીકામ કરતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર છે.જે ઘણા સમયથી બીમાર હોય જેની ચિંતામાં આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.

ચોથા બનાવ કુવાડવા ગામે ભાવનગરની યુવતીનો આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. યુવતીને રાજકોટમાં રહી નોકરી કરવી હતી પણ પરિવારે ઘરે પરત તેડાવી હોવાથી માઠું લાગતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે

શહેરની ભાગોળે કુવાડવા ગામ સરકારી સ્કૂલ પાસે કૈલાશ પાર્ક શેરી નંબર 2 માં રહેતી અને મૂળ ભાવનગરની રહેવાસી ધર્મિષ્ઠાબેન રમેશભાઈ ગોહિલ નામની 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી મૂળ ભાવનગરની રહેવાસી હતી અને ગત છએક માસથી કુવાડવા ગામે ઓનલાઇન પ્રોડક્ટ વેચવાનું કામ કરતી હતી. યુવતીના પરિવારે ભાવનગર પરત આવી જવાનું કહ્યું,યુવતીને કુવાડવા ગામે રહી નોકરી કરવી હતી.જેથી પોતાના ઘરે પાછું જવું જોઈશે એવા ભયના કારણે યુવતીએ ગતરોજ સવારના દસ વાગ્યાના અરસામાં આ પગલું ભર્યું હતું. યુવતી કુવાડવા ગામે પીજીમાં રહેતી હોવાથી રૂમમેટ યુવતી તેણીને આ સ્થિતિમાં જોઈ સ્તબ્ધ રહી હતી.યુવતીની રૂમમેટ એ 108ને જાણ કરી. ઈ.એમ.ટી ટીમના તબીબે યુવતીને મૃત જાહેર કરી બનાવ અંગે પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.

અલગ અલગ કારણોસર 3 મહિલા સહીત પાંચ લોકોનો આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે આવેલા માધાપર ગામે પિતાનાં ઘરે વ્યવહારુ કામથી આવેલી અને મૂળ મોરબીમાં પંચાસર રોડ નજીક રાજનગર સોસાયટીમાં રહેતી જલ્પાબેન અભયભાઈ શંખેસરિયા નામની 30 વર્ષીય પરણીતાએ પિયરના સદસ્યોએ વિશ્વાસઘાત કર્યો હોવાથી આઘાતમાં આવીને ઝેર પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજા બનાવમાં શહેરના કુંભારવાડા નજીક રામનાથપરા શેરી નંબર ૬ માં રહેતા ઇમરાનભાઈ ટોયા નામના 32 વર્ષે યુવકે માતા સાથે પૈસા બાબતે ચડભડ થઈ હોવાથી માઠું લાગી આવતા ફિનાઈલ પીધું. યુવક રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. ત્રીજા બનાવમાં શહેરના ગાંધીગ્રામ શેરી નં. ૬ માં રહેતા કશ્યપભાઈ રાજુભાઈ સોલંકી નામના 24 વર્ષીય યુવકે રૂખડીયા કોલોનીમાં રહેતી પ્રેમિકાના ત્રાસથી ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના પિતાએ યુવકની પ્રેમિકા તેને પૈસા બાબતે બ્લેકમેઇલ કરતી હોવાથી યુવકે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. યુવક તેની બહેનનો એકનો એક ભાઈ છે અને ડ્રાઇવિંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ચોથા બનાવવામાં શહેરના થોરાળા પોલીસ સ્ટેશનની નજીક મનહરપરા શેરી નંબર 12માં રહેતી રાધિકાબેન વિરમભાઈ જોગરાણા નામના 33 વર્ષીય પરણીતાએ પતિએ પૈસાનો વ્યવહાર છૂટા હાથે ન કરવા અંગે ઠપકો આપતા પત્નીએ ગળાફાસો ખાઈ લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરણીતાના લગ્ન 13 વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે.નવા થોરાળા શેરી નંબર સાતમાં રહેતી વસંતબેન રવિભાઈ રાઠોડ નામની 35 વર્ષીય પરિણીતાએ એ ગત રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતાં પોલીસ આપઘાતના પ્રયાસનું કરણ જાણવા તપાસ હાથ ધરી છે જેમાં પરિણીતાને પતિ સાથે કામ બાબતે માથાકુટ થતાં આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.