કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ આઇએએસ-આઇપીએસની બદલી

રાજકોટના પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને એસપી સહિતના અધિકારીઓ બદલાશે
ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા આઇપીએસની બદલી કરાશે: ડીઆઇજી ટુ આઇજી, એસપી ટુ ડીઆઇજી, એએસપી અને ડીવાયએસપી ટુ એસપીના પ્રમોશન અપાશે

અબતક,રાજકોટ

ગુજરાતમાં આઇએએસ અને આઇપીએની બદલીમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ બદલી અને બઢતીના લીસ્ટને આખરી ઓપ આપવામાં આવનાર છે.

આઇએએસ અને આઇપીએસ અધિકારીની બદલીના ઘણા સમયથી ભણકારા વાગી રહ્યા છે. એક જ સ્થળે ત્રણ વર્ષથી ફરજ બજાવતા આઇપીએસ અધિકારીઓની બદલી ચૂંટણી પંચના આદેશ અનુસાર કરવાની થતી હોવાથી આવા આઇપીએસ અધિકારી દ્વારા મનપસંદ શહેર અંગે તખ્તો ગોઠવવા ભલામણનો દોશ શરૂ કરતા હોય છે. ત્યાં બદલી અટકી ગઇ હતી.

દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તા.27 અને 28 નવેમ્બરના રોજ અમુલ ડેરીના નવા પેકેજીંગ પ્લાનનું ગાંધીનગરના ભાટ ખાતે ઉટઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે ગુજરાતના આઇએસ અને આઇપીએસની બદલી માટે તૈયાર કરાયેલા લીસ્ટ અમિત શાહના ધ્યાન પર મુકવામાં આવશે ત્યાર બાદ જરૂરી ફેરફાર સાથે બે દિવસમાં આઇએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થશે તેમ જાણકારો કહી રહ્યા છે.રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રેન્જ આઇજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને ત્રણ વર્ષ થઇ ગયા હોવાથી તેઓની બદલી નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.

આઇપીએસની બદલી સાથે બઢતી માટેનું પણ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ડીઆઇજી ટુ આઇજી, એસ.પી. ટુ ડીઆઇજી, એએસપી અને ડીવાય.એસ.પી. ટુ એસ.પી.ના પ્રમોશન પણ મોટા પ્રમાણમાં આપવામાં આવનાર હોવાના નિર્દેશ મળી રહ્યા છે.