Abtak Media Google News

જાહેર શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે અનામતની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો

ટ્રાન્સજેન્ડરો હજુ પણ સમાજના પ્રવાહમાં જોડાયા નથી. તેઓને નોકરી અને શિક્ષણમાં પૂરતી તકો મળતી ન હોય આ મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો છે. સુપ્રીમે અનામત આપવા મામલે સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો છે.

કેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર લોકો માટે જાહેર નોકરી અને શિક્ષણમાં અનામતની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી જવાબ માંગ્યો છે. જાહેર શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ટ્રાન્સજેન્ડરર વ્યક્તિઓ માટે અનામતની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. કેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતી વખતે સિજેઆઈ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો. સમાન અરજીના જવાબમાં, કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ અથવા નોકરીઓમાં હાલની અનામતનો લાભ મેળવી શકાય છે. જો કે કોઈ નવી અનામત આપવામાં આવી રહી નથી.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સચિવે એક એફિડેવિટ દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે એસસી/ એસટી/એસઇબીસી સમુદાયના લોકો પહેલાથી જ આરક્ષણ માટે હકદાર છે.

આ સિવાય 8 લાખ રૂપિયાની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા અન્ય કેટેગરીના ટ્રાન્સજેન્ડરોને પણ ઇડબ્લ્યુએસ કેટેગરી હેઠળના આરક્ષણમાં સામેલ કરવામાં આવ્યા છે. સિજેઆઈ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૂછ્યું કે શું બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ ટ્રાન્સજેન્ડર્સને અનામત ન આપવું જોઈએ? આ અરજી સુબી કેસી નામના ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ટ્રાન્સજેન્ડરોને પણ સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવે.

સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તરે ટ્રાન્સજેન્ડરો પછાત : અરજીકર્તા

અરજી કરનાર સુબીએ ઘણા ઉદાહરણો આપતા જણાવ્યું કે ટ્રાન્સજેન્ડરો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્તરે સમાજમાં પછાત છે તેમજ હિતમાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે. આ ઉપરાંત તેમણે સુપ્રીમ કોર્ટના નાલસા અને ભારત સરકારના 2014ના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારોએ તેનો આદર કર્યો નથી, જ્યારે ચુકાદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પછાત વર્ગમાં રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે આ મામલે એક અવમાનનાની નોટિસ પણ જારી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.