Abtak Media Google News
  • ‘અબ કી બાર 400 કે પાર’નું સૂત્ર સાર્થક થશે: ભાજપના 44માં સ્થાપના દિને પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિજય વિશ્વાસ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદ મામલે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચિત દરમિયાન તેઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ક્ષત્રિય સમાજ પરષોત્તમભાઇને માફ કરી દેશે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો જીતશે.

આજે ભાજપના 44માં સ્થાપના દિન પ્રસંગે તેઓએ કેસરિયો ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે જનસંઘ સમયે સામાન્ય બીજમાંથી ભાજપ આજે વટવૃક્ષ બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી સિધ્ધાંતો અને નિષ્ઠાને વરેલી પાર્ટી છે. છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. વિશ્ર્વભરમાં ભારતનું નામ ગુંજી રહ્યું છે. પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી હાલ ભાજપની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૂત્ર આપ્યું છે કે ‘અબ કી બાર 400 કે પાર’ આ સૂત્ર 100 ટકા સાર્થક થશે. ભાજપ 370 થી વધુ બેઠકો જીતશે. જ્યારે એનડીએ ગઠબંધન 400થી વધુ સીટ પર જીત હાંસલ કરી ફરી સત્તારૂઢ થશે. કોંગ્રેસ એક ડુબતું નાવ છે.

હાલ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર-કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદમાં તેઓએ ખૂબ જ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રૂપાલાએ બે થી ત્રણ વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ ખૂબ જ દિલેર સમાજ છે. મોટું મન રાખી પરષોત્તમભાઇને માફ કરી દેશે તેવો મને પૂરો વિશ્વાસ છે. તેઓ પાંચ લાખથી વધુ લીડ સાથે જીતી નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરશે. આજે રાજ્યભરમાં ભાજપના સ્થાપના દિનની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.