Abtak Media Google News
  • 10-રાજકોટ લોકસભા બેઠકમાં સમાવીષ્ટ વિધાનસભાની સાતેય બેઠકો પર વિજેતા બનેલા ભાજપના ધારાસભ્યોની લીડનો સરવાળો 3,08,351 મત થાય છે: કોઇ મોટો ચમત્કાર કે મોદી લહેર જ ભાજપને પાંચ લાખથી વધુ મતોની લીડ અપાવી શકે
  • મોહનભાઇ કુંડારીયા 2019માં 3,68,407 મતોથી લીડથી જીત્યા હતા જે રાજકોટ બેઠક માટે અત્યાર સુધીની હાઇએસ્ટ લીડ છે

Screenshot 2 6 લોકસભાની ચુંટણીના બ્યુલર વાગી રહ્યા છે એક સપ્તાહ બાદ પ્રથમ તબકકાનું મતદાન યોજાશે. આવતીકાલથી ત્રીજા તબકકાના મતદાન માટે ચૂૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ  થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવશે. હાલ સૂર્ય નારાયણદેવ તપી રહ્યા છે. પરંતુ રાજકીય ગરમાવો જામતો નથી. ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચુંટણીથી ભાજપ કલીન સ્લીપ કરી રહ્યો છે. રાજયની તમામ ર6 બેઠકો જીતી રહ્યું છે. આ વખતે ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખથી જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 2019માં ભાજપને માત્ર ચાર બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની લીડ મળી હત. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પક્ષને રેકોર્ડ બ્રેક 156 બેઠકો મળતા પાંચ લાખની લીડનો ટારગેટ સેટ કરવામાં આવ્યો છે.

Advertisement

ચુંટણીની રણનીતી પણ આ લક્ષ્યાંકને ઘ્યાનમાં રાખીને ઘડવામાં આવી રહી છે. છતાં રાજકોટ બેઠક પરથી પાંચ લાખથી વધુ મતોની લીડ હાંસલ કરવી ભાજપ માટે મિશન ઇમ્પોસીબલ જેવું જ છે. રાજકોટ લોકસભા બેઠકમાં સમાવીષ્ટ સાતેય વિધાનસભા બેઠક હાલ ભાજપ પાસે છે. આ સાતેય બેઠકની ગત ચુંટણીની લીડ ગણવામાં આવે તો 3,08,351 મતોની થાય છે. આવામાં લોકસભામાં લીડ પાંચ લાખ મેળવવી પક્ષ માટે મોટો પડકાર બની રહેશે.

રાજકોટ લોકસભા બેઠકમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષીણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 2022માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ટંકારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર 10256 મતોથી, વાંકાનેર બેઠક પરથી જીતુભાઇ સોમાણી 19955 મતોથી, રાજકોટ પૂર્વ બેઠક પરથી ઉદયભાઇ કાનગડ 28635 મતોથી, રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ડો. દર્શિતાબેન શાહ 1,05,975 મતોથી,રાજકોટ દક્ષીણ બેઠક પરથી રમેશભાઇ ટીલાળા 78864 મતોથી, રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાનુબેન બાબરીયા 48494 મતોથી અને જસદણ બેઠક પરથી કુંવરજીભાઇ બાવળીયા 16172 મતોથી વિજેતા બન્યા હતા. આ સાતેય વિધાનસભાની લીડનો સરવારો 3,08,351 મત થાય છે.

જો વિધાનસભાની ચુંટણીમાં મળેલી લીડ જેટલી જ લીડ લોકસભામાં મળે તો 3 લાખથી વધુની લીડ ભાજપના ઉમેદવારને મળી શકે છે. તેમાં 3પ ટકાનો તોતીંગ વધારો નોંધાય તેવું ધારી લેવામાં આવે તો પણ લીડનો આંક 4 થી 4.25 લાખ થઇ શકે છે. લીડમાં વધારા માટે મતદાનમાં પણ વધારો થયો અનિવાર્ય છે. વિધાનસભાની ચુંટણીની સરખામણીએ લોકસભામાં ભાજપની લીડમાં 65 થી 70 ટકા સુધી નો તોતીંગ વધારો આવે તો જ પાંચ લાખ કે તેથી વધુ લીડ મળી શકે છે. આ માઇલ સ્ટોન સુધી પહોચવા માટે કોઇ મોટો ચમતકાર સર્જાય છે. તો જ ભાજપનો ટારગેટ પૂર્ણ થાય તેમ છે અથવા મોદી લહેરના આધારે લીડની નાવડી તરી શકે છે.

રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ર1,04,519 મતદારો છે. 70 ટકા જેટલું ઉંચુ મતદાન થાય તો 14.75 લાખ મત પડે, જેમાંથી ભાજપના ઉમેદવારને 10 લાખ મતો મળે તો પાંચ લાખની લીડ મળયાની સંભાવના વધી જાય, 2014માં રાજકોટ બેઠક પર મોહનભાઇ કુંડારીયાને 2,46,428 મતોની લીડ મળી હતી.

જયારે 2019માં 3,68,407 મતોની લીડ પ્રાપ્ત થઇ હતી. 2019માં મોહનલાલને મળેલી લીડ રાજકોટ લોકસભાની બેઠકના ઇતિહાસમાં મળેલી સૌથી રેકોર્ડ બ્રેક લીડ છે. ભાજપે હાલ રાજકોટ બેઠક પરથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓને આયાતી ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. બીજી તરફ તેઓએ થોડા સમય પહેલા રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રીય સમાજામાં ભારોભાર  નારાજગી જોવા મળી રહી છે. ક્ષત્રીયો રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. જો આવું નહી થાય તો ક્ષત્રીય સમાજ ભાજપ વિરુઘ્ધ મતદાન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા સામે કોંગ્રેસ પરેશભાઇ ધાનાણીને મેદાનમાં ઉતારવા જઇ રહ્યું છે. આવામાં જંગ રોમાંચક બને તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. કમળના અભેદ ગઢ ગણાતા રાજકોટમાં લોકસભાની ચુંટણીમાં પાંચ લાખ મતોની લીડ સાથે જીતવું મિશન ઇમ્પોસિબલ જેવું લાગી રહ્યું છે.

ક્ષત્રિય સમાજના મતો પણ કંપાવવાન પુરી દહેશત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભાજપ દ્વારા રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તેવી માંગ પર ક્ષત્રીય સમાજ અડગ છે. જો પક્ષ દ્વારા આ અંગે કોઇ નિર્ણય નહી લેવામાં આવે તો ક્ષત્રીય સમાજ દ્વારા ભાજપ તરફી મતદાન કરવાના બદલે તેના વિરુઘ્ધ મતદાન કરી શકે છે. જે પાંચ લાખની લીડના લક્ષ્યાંક સામે અવરોધરુપ બની શકે છે.

મોદીની જાહેર સભા, ક્ષત્રિય સમાજ સાથે સમાધાન અને  મતદાનની ઊંચી ટકાવારી રહે તો જ ભાજપનો લક્ષ્યાંક થઈ શકે સિદ્ધ

ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો 5 લાખ કે તેથી વધુ મહત્વની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક ભાજપ દ્વારા રાખવામાં આવ્યો છે. રાજકોટ બેઠક પર આ લક્ષ્યાંક સિદ્ધ થાય તે કોઈ જ શક્યતા હાલ દેખાતી નથી પરંતુ અનેક પરિબળ એવા છે જે ભાજપ તરફી રહે તો લક્ષ્યાંક આસપાસ ચોક્કસ પહોંચી શકાય તેમ છે.જે રીતે રાજા રજવાડા અંગે નિવેદન બાદ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં વિરોધ ફાટી નીકળ્યો છે તે જોતાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફરજિયાત  રાજકોટમાં એક ચૂંટણી સભા કરવી પડશે.મોદીની  સભા બાદ મતદારોનો મિજાજમાં આમુલ પરિવર્તન આવે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે.

બીજી તરફ મતદાન પૂર્વે ક્ષત્રિય સમાજ સાથે ભાજપ દ્વારા જો સમાધાનનો સેતુ બનાવી લેવામાં આવે તો પણ તેનો ફાયદો લીડમાં મળી શકે તેમ છે.આ ઉપરાંત મતદાન ટકાવારી 70 થી 80% વચ્ચે રહે તો પણ તેનો ફાયદો ભાજપને ચોક્કસ મળી શકે તેમ છે. હાલ રાજકોટ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભાની તમામ  સાતેય બેઠક ભાજપ પાસે છે. પરંતુ તમામ બેઠકો પર ભાજપના વર્તમાન ધારસભ્યોને મળેલી લીડ જોવામાં આવે તો પાંચ લાખ સુધી પહોંચી શકાય તેવું હાલ લાગતું નથી.છેલ્લા ઘણા દિવસોથી ભાજપ દ્વારા  ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. બુથ પ્રમુખોને પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ભાજપ તરફી પોઝિટિવ મતદાન કરાવવા માટેનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે. આ સ્થિતિ જો અને તોના સમીકરણોમાં રમી રહી છે.

રાજકોટ લોકસભા બેઠકના ઇતિહાસમાં હજી સુધી કોઈ ઉમેદવાર 4,00,000 કે તેથી વધુની લીડ સાથે પણ જીત્યું નથી.આવવામાં પરષોત્તમભાઈ રૂપાલાની પાંચ લાખ મતોની લીડ સાથે જીતાડી દિલ્લી મોકલવા શહેર ભાજપ અને જિલ્લા ભાજપ માટે એક કપરું ચડાણ બની ગયું છે.જોકે ભાજપના કાર્યકરો ક્યારેય નીચું લક્ષ્યાંક રાખતા નથી ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.જેની સામે રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી લોકસભાની તમામ 26 બેઠક પાંચ લાખ કે તેથી વધુ લીડ સાથે જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ દ્વારા કાર્ય કરવામાં આવી રહયું છે. જોકે આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર ભાજપે ખૂબ જ મહેનત કરવી પડશે.મતદાનની ટકાવારી પર મુખ્ય આધાર રહેશે. મતદાનની ટકાવારી જેટલી ઊંચી રહેશે તે ભાજપ માટે ફાયદા કારક રહેશે.

‘આપ’ ના મતો કોની તરફ જશે તે નિર્ણાયક બનશે

વિધાનસભાની ચુંટણીમાં રાજકોટ દક્ષીણ, ગ્રામ્ય અને જસદણ બેઠક પર કોંગ્રેસ કરતા આપ ના ઉમેદવારોને મળ્યા હતા વધુ મત

લોકસભાની ચુંટણીમાં રાજકોટ બેઠક પરથી પાંચ લાખ મતોની લીડનો ભાજપનો ટારગેટ પૂર્ણ થવામાં આપ ના મતોનો મોટો રોલ રહેશે વિધાનસભાની ગત ચુંટણીમાં જસદણ, રાજકોટ ગ્રામ્ય અને  રાજકોટ દક્ષિણ બેઠક પર કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વધુ લીડ મળી હતી. જસદણ બેઠક પર ચુંટણી લડી રહેલા આપ ના ઉમેદવારને 47636 મતો મળ્યા હતા. જયારે રાજકોટ ગ્રામ્ય બેઠકના આપના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયાને 71201 મનો અને રાજકોટ દક્ષિણ બેઠકના આપના ઉમેદવાર શિવલાલ બારસિયાને 22870 મતો મળ્યા હતા. જે કોંગ્રેસના ઉમેદવારથી વધુ છે. આ 1,41,707 મતો કોના તરફ જશે તે મહત્વપૂર્ણ રહેશે. કારણ કે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન હોય આ વખતે આપ દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.