Abtak Media Google News

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

આ વર્ષે ચોમાસાની શરૂઆત જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે અને ઓકટોબરના ત્રીજા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લે તે સાથે આ વર્ષે બાર આની વરસાદ થાય અને આ ચોમાસુ ખેડૂતો માટે મધ્યમ રહે તેવી વર્ષા વિજ્ઞાનના આધારે જૂનાગઢ ખાતે આગાહિકારોએ આગાહી કરી છે.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-2022 યોજાયો હતો. આ પરિસંવાદમાં જુદા જુદા વિસ્તારમાંથી આગાહીકારો તેમજ રસ ધરાવતાં ખડૂતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને 46 જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી.

Untitled 1 158

ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જયોતિષ શાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઇ 46 જેટલા આગાહીકારોએ તેમની કરેલી આગાહીઓ મુજબ આ વર્ષે ચોમાસાની શરૂઆત જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે અને ઓકટોબરના ત્રીજા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે તે સાથે આ વર્ષે બાર આની વરસાદ થશે અને આ ચોમાસુ ખેડૂતો માટે મધ્યમ રહેશે, તે સાથે જુલાઈ અને ઓગષ્ટના મધ્યમાં અતિવૃષ્ટિ થશે.

આગાહિકારોની આગાહીઓ મુજબ આ ચોમાસુ ખેડૂતો માટે મધ્યમ રહેશે, તથા કપાસ, મગફળી, તુવેર, એરંડા, તેમજ શિયાળુ પાક સારા થવાની સંભાવના છે.

જૂનાગઢની કૃષિ યુનિ. ખાતે યોજાયેલ આ પરિસંવાદમાં ડો. એચ.એમ. ગાજીપરા, અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ એ ઉદ્દબોધન કરતાં જણાવ્યુકે, આગાહીકારો ખગોળ વિજ્ઞાન, જયોતિષ શાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ટા તેમજ ભડલી વાકયો વગેરેનો આધાર લઇને પોતાના પૂર્વાનુમાનો રજૂ કરતા હોય છે. આગાહીકારોને તેમના નિયમિત અવલોકનો લઇ યુનિવર્સિટીમાં મોકલી આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે અને બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે. ચોમાસાનું આ પૂર્વાનુમાન ખેતી પાકોની યોગ્ય પસંદગી તેમજ ખેતીના આયોજનમાં ઘણું જ ઉપયોગી બની રહે છે.

જ્યારે ઉદ્દઘાટન કરતાં કુલપતિ પ્રો.  નરેન્દ્ર કુમાર ગોંટિયાએ જણાવેલ કે વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે, વરસાદનું પૂર્વાનુમાન કરવા માટે મહેનત કરવી પડે અને આ કાર્ય  કરવા બદલ સર્વે આગાહીકારોને બિરદાવી વધુમાં જણાવ્યું હતું કે, ઘણા આગાહીકારો પોતાની કોઠા સુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે.

કાર્યક્રમના પ્રારંભે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડો. જી.આર. ગોહિલએ ઉપસ્થિત રહેલ સર્વેમહાનુભાવો, અધિકારીઓ, આગાહીકારો અને ખેડૂતોનું સ્વાગત કરેલ, અંતમાં, ડો. વાય.એચ. ઘેલાણીએ આભાર દર્શન કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.