Abtak Media Google News

લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે ઉક્તિ સાર્થક થતી ઘટના તળાજા પોલીસ મથકમાં નોંધાઇ છે. વિરમગામના બે વેપારી ઓછી કિંમતે અમેરિકન ચલણ ડોલર ખરીદ કરવાની લાલચમાં રુા.5 લાખની છેતરપિંડી થયાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરમગામ દલવાડી ફળીમાં રહેતા કરિયાણાના વેપારી વિજયભાઇ ઘનશ્યામભાઇ કણજારીયાએ રફીક ઉર્ફે જયદીપ અને પંકજ નામના શખ્સો સામે રુા.5 લાખની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

તળાજા પંથકના ઠગે ડોલરના બદલે કાગળની થપી પ્લાસ્ટીકની કોથળીમાં પેક  કરી ધાબડી દીધી

વિજયભાઇ કણજારીયાના ભાગીદાર જીજ્ઞેશ પટેલના ભાવનગર રહેતા સંબંધી મનોજભાઇ પટેલે મોબાઇલમાં વાત કરી પોતાના પરિચિત અલીભાઇના સંબંધી સસ્તા ભાવે ડોલર વેચતા હોવાની વાત કરતી આથી વિજયભાઇ કણજારીયા અને જીજ્ઞેશભાઇ પટેલે સસ્તા ભાવે ડોલર ખરીદ કરવાની તૈયારી બતાવી હતી.

મનોજભાઇ પટેલે બંને ભાગીદારને ભાવનગર પાસેના નારી ચોકડી પાસે બોલાવ્યા બાદ અલી ભાઇનો સંપર્ક કરાવ્યો હતો. તેને જયદીપભાઇનો કોન્ટેક કરાવ્યો હતો. જયદીપભાઇએ ડોલર લેવા માટે તળાજા પંકજભાઇ પાસે જવુ પડશે તેમ કહી બંનેને કારમાં તળાજા લઇ ગયા બાદ ત્યાં બાઇક પર પંકજભાઇ નામની વ્યક્તિ આવી હતી. તેણે ભારતીય ચલણ બતાવવાનું કહેતા કારમાં રુા.500ના દરના દસ બંડલ બતાવ્યા હતા.

ત્યારે પંકજે આ જગ્યા સેફ ન હોવાનું કહી થોડા આગળ જઇને ડોલર આપશે તેમ કહ્યું હતી. તળાજાથી થોડે દુર હાઇ-વે પર કાર ઉભી રખાવી કાળા કલરના પ્લાસ્ટીકની થેલીમાં ડોલર હોવાનું કહી આપ્યા બાદ રુા.5 લાખની રોકડ સાથેની બેગ વિજયભાઇ કણજારીયા પાસેથી ઝુંટવી બંને બાઇક પર ભાગ્યા ત્યારે પંકજ નામની વ્યક્તિએ જયદીપને રફીક બાઇક ભગાડ તેમ કહ્યું હોવાથી તે જયદીપ નહી પણ રફીક હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે જયદીપ ઉર્ફે રફીક અને પંકજ નામના શખ્સો સામે ગુનો નોંધી પી.આઇ. આર.ડી.ચૌધરી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.