શિવ જ્વેલર્સની રૂ.85 લાખની લૂંટના ગુનામાં વધુ બેની ધરપકડ

રાજકોટના ઉપલાકાંઠે વિસ્તારમાં શિવ જવેલર્સ નામની દુકાનમાં થયેલી રૂ.85.50 લાખની બેધડક લૂંટમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં આગ્રાના જગનેર ગામેથી સોના-ચાંદીના ઘરેણાં અને એક દેશી બનાવટી તમંચો મળી પોલીસે કુલ રૂ.13.75 લાખના મુદ્દામાલ સાથે વેપારી અને ગેંગના સાગરીતની ધરપકડ કરી છે. અત્યાર સુધી લૂંટના ગુનામાં કુલ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શિવ જ્વેલર્સમાં ખાબકેલા લૂંટારુઓ વેપારી મોહનભાઇને બંધક બનાવી રૂ.85.50 લાખના દાગીના લૂંટી ગયા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. લૂંટારુ ગેંગના ચાર શખ્સને હરિયાણાના પલવલમાંથી ઝડપી લીધા હતા. ઝડપાયેલા શુભમ સોવરનસીંગ જાટ, અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ, સુરેન્દ્ર જાટ, બિકેશ ઠાકુરને પોલીસે ઝડપી પાડી રૂ.62.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તો હવે પોલીસે લૂંટારુ ગેંગનો વધુ એક સાગરીત મધ્ય પ્રદેશનો સતિષ સોવરનસીંગ ઠાકુર હરિયાણાથી મળ્યો નહોતો, તેને પકડવા રાજકોટ પોલીસની એક ટીમ ત્યાં જ રોકાઇ ગઇ હતી, જે ટીમને પણ મહત્ત્વની સફળતા મળી છે અને સતિષ ઠાકુર પોલીસના હાથમાં આવી ગયો છે. લૂંટારુઓને સોની વેપારી અને તેના પુત્રએ ઓળખી બતાવતા વધુ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ફરાર અન્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા હતા. જેમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. વોચ ગોઠવીને બેઠેલા પોલીસને બાતમી મળી હતી કે લૂંટના આરોપી મુદ્દામાલ વહેંચવા માટે આગ્રા પહોંચ્યા છે. જેથી પોલીસની એક ટીમે આગ્રાના જગનેર ગામમાં દરોડો પાડી લૂંટના ગુનામાં સંડોવાયેલો ગેંગનો સાગરીત સતિષ સોવરનસિંહ સિકરવાર નામના શખ્સને સોના-ચાંદીના ઘરેણાં અને એક દેશી બનાવટની પિસ્તોલ મળી કુલ રૂ.13,75,850ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તો મુદ્દામાલ વહેંચવા પહોંચેલા વેપારી ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફ શરીફ કુરેશીને પણ પોલોસે ધરપકડ કરી છે.

શહેરની બેધડક લૂંટના ગુનામાં ઝડપાયેલા મૂળ મધ્યપ્રદેશના સતિષ સિકરવાર સામે અત્યાર સુધી કુલ 14 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં તે 6 ગુનાઓમાં વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. સતિષના ત્રાસથી કંટાળી રાજસ્થાન પોલીસે તેના પર રૂ.3000 સુધીનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ રાજકોટની લૂંટમાં પગેરું કરનાર સતિષને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગણતરીના દિવસોમા જ ઝડપી પાડ્યો છે.