સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ બે દિવસ હીટવેવ: રાજકોટમાં ઓરેન્જ એલર્ટ

માસાંતે તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ઉનાળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના ઘણા ખરા શહેરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. જ્યારે બપોરે આકરા તાપ સાથે ભારે લુ ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ સુધી હીટવેવની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે અને રાજકોતમાં તો ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હજુ બે દિવસ હીટવેવ રહેશે ત્યારબાદ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે જશે અને 10 એપ્રિલથી ફરી કાળઝાળ ગરમી શરૂ થશે અને પારો 42 ડિગ્રી પહોંચે તેવી આશંકા સેવાઇ રહી છે.તેમજ માસાંતે પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચે તો પણ નવાઈ નહીં.

રાજકોટ શહેરનું આજે લઘુતમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા અને 9 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 41.5 જ્યારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 41 ડીગ્રી નોંધાયું હતું. બપોરના સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાન વધતાંની સાથે જ રાજમાર્ગો સુમસામ બન્યા હતા. બપોરના સમયે પવનની ઝડપ વધુ રહેવાથી આકાશમાંથી આગઝરતી લુ ફેકાતી હોય તેવો અનુભવ થયો હતો. બુધવાર પછી બે દિવસ ગરમીનો પારો નીચો જશે જો કે ત્યારબાદ ફરી અંગ દઝાડતો ઉનાળાનો પ્રારંભ થશે અને પારો 42 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. ઉનાળાએ શરૂઆતથી જ રંગ દેખાડતા બપોરના સમયે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સાંજ પડતાની સાથે જ લોકો બહાર નીકળી ગરમીથી બચવા ઠંડા પીણાંનો સહારો લીધો હતો.